સાઉદી અરબના પૂર્વ ઈન્ટેલિજન્સ ચીફ તુર્કી અલ ફૈસલે ગાંધીજીને યાદ કર્યા
રિયાધ
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગની વચ્ચે સાઉદી અરબના પૂર્વ ઈન્ટેલિજન્સ ચીફ તુર્કી અલ ફૈસલે ગાંધીજીને યાદ કર્યા છે.
તેમણે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના ઘર્ષણમાં આમ લોકોની થઈ રહેલી હિંસાનો વિરોધ કરતા કહ્યુ છે કે, કોઈ પણ પ્રકારની હિંસા કે સૈન્ય કાર્યવાહી કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી. હું હમાસ અને ઈઝરાયેલ બંનેની કાર્યવાહીને વખોડુ છું. આ મામલાનો ઉકેલ ભારતની આઝાદીના સિપાહી મહાત્મા ગાંધીજીએ બતાવેલા રસ્તા પર ચાલવાથી જ આવશે.
તેમણે કહ્યુ હતુ કે, પેલેસ્ટાઈનના લોકોએ મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામે ભારતની આઝાદી માટે જે પણ રીત રસમ અપનાવી હતી તે શીખવાની જરૂર છે.
તુર્કી અલ ફૈઝલે કહ્યુ હતુ કે, તમામ લોકોને કોઈ પણ પ્રકારના સૈન્યના કબ્જાનો વિરોધ કરવાનો હક છે. પેલેસ્ટાઈનના લોકોને પણ પૂરો અધિકાર છે કે, તેઓ ઈઝરાયેલ દ્વારા થઈ રહેલા સૈન્ય કબ્જાનો વિરોધ કરે. આમ નાગરિકો સામે હિંસા માટે ઈઝરાયેલની સાથે હમાસની પણ નિંદા થવી જોઈએ. હમાસે જે કામ કર્યુ છે તે ઈસ્લામના આદર્શોની વિરૂધ્ધ છે. આ લડાઈથી કોઈને ફાયદો થવાનો નથી. આ જંગમાં કોઈ હીરો નથી, બધાએ સહન જ કરવાનુ આવી રહ્યુ છે. આ હિંસાને તાત્કાલિક રોકવામાં આવે.
હ્યુસ્ટનની રાઈસ યુનિવર્સિટીમાં યોજાયેલા લેક્ચર દરમિયાન તેમણે આગળ કહ્યુ હતુ કે, ઈઝરાયેલનો વિરોધ કરવા માટે પેલેસ્ટાઈનના લોકોએ હથિયાર ઉપાડવાની જગ્યાએ સવિનય કાનૂન ભંગ અને અસહકારની ચળવળથી લડવી જોઈએ. આ જ પ્રકારનુ હથિયાર ભારતે બ્રિટિશ સામ્રાજ્ય સામે લડવા માટે ઉપાડ્યુ હતુ. મહાત્મા ગાંધીએ જે રસ્તો બતાવ્યો હતો તેના કારણે ભારતને આઝાદી મળી હતી. પેલેસ્ટાઈનના નાગરિકો માટે આ જ રસ્તો જીતનો રસ્તો બની શકે છે.