ચીન 2030 સુધી પરમાણુ હથિયારની સંખ્યા 1000થી વધુ અને લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલનો ખજાનો કરવાની યોજના પર કામ કરી રહ્યું છે

નવી દિલ્હી
સૈન્ય કમાન્ડરો વચ્ચે ઘણી વાટાઘાટો છતાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધર્યા નથી. આ દરમિયાન અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે આજે પણ ચીને મોટા પાયે પોતાના સૈનિકો એલએસી પર તૈનાત કર્યા છે. તેમજ ચીન એલએસી પર આજે પણ અન્ડરગ્રાઉન્ડ સ્ટોર્સ, રસ્તાઓ, એરફિલ્ડ્સ અને હેલિપેડ બનાવી રહ્યું છે. પેન્ટાગોને એમ પણ કહ્યું છે કે ચીન પાસે આજે 500 થી વધુ પરમાણુ હથિયારો છે. ચીન 2030 સુધી પરમાણુ હથિયારની સંખ્યા 1000થી વધુ અને લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલનો ખજાનો કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.
અમેરિકા પાસે 3750 એક્ટીવ પરમાણુ હથિયાર છે. તેમજ રશિયા પાસે 5889 છે. જયારે આ બાબતમાં ભારત અને પાકિસ્તાન ઘણા પાછળ છે. જેમાં ભારત પાસે 164 અને પાકિસ્તાન પાસે 170 હથિયાર છે. પેન્ટાગોને કહ્યું કે ચીન પરંપરાગત જમીન, હવા અને સમુદ્ર તેમજ પરમાણુ, અવકાશ, કાઉન્ટર-સ્પેસ, ઈ-વોરફેર અને સાયબર સ્પેસ સહિત યુદ્ધના તમામ ક્ષેત્રોમાં તેની ક્ષમતાને સતત વધારી રહ્યું છે. આમ કરીને તે પોતાની સેનાને આધુનિક બનાવી રહ્યું છે. પેન્ટાગોનનો અહેવાલ જણાવે છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 2049 સુધીમાં ચીનની મીલીટરીને વર્લ્ડ ક્લાસ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
ભારત-ચીન બોર્ડર બાબતે પેન્ટાગોને તેના રિપોર્ટમાં કહ્યું છે કે 3,488 કિલોમીટર લાંબા એલએસી પર ચીનના વેસ્ટર્ન થિયેટર કમાન્ડની તૈનાતી 2023 સુધી ચાલુ રહેશે. 9-10 ઓક્ટોબરના રોજ કોર્પ્સ કમાન્ડર-લેવલની મંત્રણાના 20મા રાઉન્ડ પછી, ડેપસાંગ (ડેમચોક ખાતેનું ક્ષેત્ર અને ચેરિંગ નિંગલુંગ નાલા ટ્રેક જંક્શન)માં મુખ્ય બે સંઘર્ષ થતા સ્થળને શાંત કરવામાં કોઈ સફળતા મળી નથી.
પેન્ટાગોને કહ્યું કે ચીને ગયા વર્ષે વેસ્ટર્ન ઝોનમાં સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો હતો. દરેક રેજીમેન્ટમાં સામાન્ય રીતે ટેંક, તોપખાના, એર સિક્યુરિટી મિસાઈલ અને અન્ય હથિયાર સાથે 4500 સૈનિકો હોય છે. આ ઉપરાંત એલએસી પર ડોક્લામ પાસે ત્રણ ક્ષેત્રમાં નવા રસ્તા, પેંગોંગ ઝીલ પર એક નવો પુલ, એક એરપોર્ટ અને હેલીપેડ બનાવવામાં આવે છે.
