રિલાયન્સ રિટેલના સર્વપ્રથમ એક્સક્લુઝિવ સ્વદેશ સ્ટોરનો હૈદ્રાબાદમાં શુભારંભ
હૈદ્રાબાદ
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન, નીતા અંબાણીએ તેલંગણામાં બુધવારે રિલાયન્સ રિટેલ દ્વારા સર્વપ્રથમ સ્વદેશ સ્ટોરનું ઉદઘાટન કરતાં ભારતીય કલાકૃતિઓએ એક હરણફાળ ભરી છે. પરંપરાગત કારીગરી અને કલાના કસબીઓને પ્રોત્સાહિત કરવાની રિલાયન્સ ફાઉન્ડેશનની દીર્ઘકાલીન પરંપરા તેમજ નીતા અંબાણીના કલાકારોને વ્યાપક પહોંચ પૂરી પાડવાના વિઝન થકી સાકાર થયેલો સ્વદેશ સ્ટોર ભારતની પ્રાચીન કલા અને કૃતિઓને વિશ્વસ્તરે પહોંચાડવાની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવશે.
રિલાયન્સ રિટેલના સ્વદેશ સ્ટોર્સમાં ભારતની સદીઓ જૂની કલા-સંસ્કૃતિના સ્વરૂપો તથા રચનાત્મક અભિવ્યક્તિઓને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવાની સાથે હજારો કલાકારો માટે આજીવિકાનું સ્થિર સાધન ઊભું કરવાની દિશામાં પણ નોંધપાત્ર પ્રગતિ થશે. આની સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની (RIL) સખાવતી પાંખ, રિલાયન્સ ફાઉન્ડેશનના ભારતના વિકાસ આડેના પડકારોને ઝીલીને નવતર છતાં સાતત્યપૂર્ણ ઉપાયો રજૂ કરવાના ઉદ્દેશ સાથે સુસંગતતા કેળવાશે.
હૈદ્રાબાદમાં સર્વપ્રથમ સ્વદેશ સ્ટોરના ઉદઘાટન પ્રસંગે, નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “સ્વદેશ એ ભારતીય પારંપરિક કળા અને કલાકારો માટે વરદાન સમાન છે. આપણા દેશની સદીઓ જૂની કળા અને કૃતિઓના સંવર્ધન અને પ્રોત્સાહનની અમારી પ્રેરક પહેલ છે. સ્વદેશ અંતર્ગત ‘મેક ઈન ઈન્ડિયા’ની ભાવનાને ઉજાગર કરીને આપણા કુશળ કારીગરોને આદર તથા સ્થિર રોજગાર પૂરો પાડવામાં આવશે. તેઓ ખરેખર આપણા દેશનું ગૌરવ છે, અને સ્વદેશ દ્વારા અમે તેમને વિશ્વભરમાં ઓળખ પ્રદાન કરવા ઈચ્છીએ છીએ કે જેના માટે તેઓ વાસ્તવમાં હકદાર છે. આ કારણથી જ સ્વદેશનો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ, અને US તેમજ યુરોપમાં પણ વિસ્તાર કરવા માગીએ છીએ.”
રિલાયન્સ ફાઉન્ડેશનના અથાગ પ્રયાસો થકી જ, ભારતીય કલાના કસબીઓએ તાજેતરમાં જ મુંબઈ સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે લોંચ કરાયેલા કલા અને સંસ્કૃતિ વિભાગ ખાતે રચાયેલા સુંદર સ્વદેશ એક્સપિરિયન્સ ઝોન ખાતે બંને ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મહેમાનો તરફથી અપ્રતિમ પ્રશસ્તિ પ્રાપ્ત કરી હતી. જાહેર જનતાની ભારે માગને કારણે જ મે મહિનામાં મૂળભૂત રીતે ત્રણ દિવસ માટે યોજાયેલું NMACC ખાતેનું પ્રદર્શન લંબાવવું પડ્યું હતું.
સ્વદેશ પહેલના ભાગરૂપે, રિલાયન્સ ફાઉન્ડેશન આર્ટિસન ઈનિશિયેટિવ ફોર સ્કીલ એન્હેન્સમેન્ટ (RAISE)ના 18 સેન્ટર્સને ભારતભરમાં સ્થાપવાની પ્રક્રિયા ચાલી રહી છે જેથી પાયાના સ્તરે પહોંચીને કલાના કસબીઓ તથા કલાકૃતિઓને સાતત્યપૂર્ણતા પહોંચાડી શકાય. આના થકી 600થી વધુ કલાના સ્વરૂપોમાંથી પ્રાપ્તિની અપેક્ષા છે.
ભારતની લુપ્ત થતી કલા અને તેના વારસાની જાળવણીનો ઉદ્દેશ ધરાવતો રિલાયન્સ રિટેલની પહેલ સમાન, સ્વદેશ સ્ટોર સૌથી પહેલાં તેલંગણાના જ્યુબિલી હિલ્સ ખાતે સ્થપાયો છે અને તે 20,000 ચો.ફીટથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં મુલાકાતીઓ ખાદ્યપદાર્થોથી માંડીને વસ્ત્રો અને ટેક્સટાઈલ્સ તથા હસ્તકલાની બેનમૂન કૃતિઓને નિહાળી શકે છે તેમજ “સ્કેન એન્ડ નો” ટેકનોલોજી ફીચર વડે તેની વિગતોને પણ જાણી શકે છે. આ ઉપરાંત ફાર્મ-ટુ-ટેબલ કન્સેપ્ટ આધારિત ખાદ્ય વાનગીઓને પિરસતો કાફે પણ આ સ્ટોરમાં ઉપલબ્ધ છે.