આંધ્ર પ્રદેશમાં ઇન્ટિગ્રેટેડ સીબીજી હબ વિકસાવવા માટે રૂ.65,000 કરોડના મૂડીરોકાણનું આયોજન
મંત્રીશ્રી નારા લોકેશે આંધ્ર પ્રદેશના પ્રકાસમ જિલ્લાના કનિગીરી ખાતે પ્રથમ સીબીજી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
કનિગીરી (આંધ્ર પ્રદેશ)
આંધ્રપ્રદેશના આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ વિભાગના મંત્રી અને રોજગાર સર્જન માટેના મંત્રીઓના જૂથના અધ્યક્ષ નારા લોકેશે આજે આંધ્રપ્રદેશના પ્રકાસમ જિલ્લામાં કાનિગિરી ખાતે પ્રથમ રિલાયન્સ કોમ્પ્રેસ્ડ બાયોગેસ (સીબીજી) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો.
આ પ્રોજેક્ટ રૂ. 139 કરોડના મૂડીરોકાણ સાથે વિકસાવવામાં આવી રહ્યો છે અને આંધ્રપ્રદેશ માટે કુલ રૂ. 65,000 કરોડના મૂડી ખર્ચ સાથે સંકળાયેલા 500 પ્રોજેક્ટ્સની શ્રેણીનો આ પહેલો પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવશે અને ઉજ્જડ તથા પડતર જમીન પર નેપિયર ઘાસ ઉગાડીને તેનો ઉપયોગ બાયોગેસ ઉત્પન્ન કરવા માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને લીઝની આવકની ચુકવણી કરવામાં આવશે જેથી ગ્રામીણ અર્થતંત્રને નોંધપાત્ર રીતે આજીવિકા મળે અને આ ઉપરાંત ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા ઘાસ માટે નિશ્ચિત કિંમત પણ નક્કી કરવામાં આવશે.
રિલાયન્સે આંધ્ર પ્રદેશમાં ઇન્ટિગ્રેટેડ સીબીજી હબ સ્થાપવા માટે એક સાહસિક સફર શરૂ કરી છે. આ હેતુ માટે પ્રકાશમ, અનંતપુર, ચિત્તૂર અને કડપ્પામાં લગભગ 500,000 એકર ઉજ્જડ અને પડતર જમીનનો ઉપયોગ કરવામાં આવશે. એકવાર બધા પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે પછી તેના થકી વાર્ષિક 40 લાખ ટન ગ્રીન, ક્લીન સીબીજી અને 1.1 મિલિયન મેટ્રિક ટન ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન થશે. આ પહેલથી ગ્રામીણ યુવાનો માટે 250,000 રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે.
શિલાયન્સાસ પ્રસંગે હાજર રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પી. એમ. એસ. પ્રસાદે જણાવ્યું કે, “અમે આ પ્રોજેક્ટને ફક્ત ઊર્જા ઉત્પાદન કરતાં વિશેષ પ્રોજેક્ટ તરીકે જોઈએ છીએ. તે સમુદાયોનું ઉત્થાન કરશે અને સ્થાનિક અર્થતંત્રોને વેગ આપશે. અને તે આંધ્રપ્રદેશની સ્વચ્છ ઊર્જાની મહત્વાકાંક્ષાઓને આગળ ધપાવશે. અમારી આ પહેલ અમારા અન્ના દાતાઓને ઊર્જા દાતા બનવા માટે જરૂરી સાધનો અને ટેકનોલોજીથી સજ્જ બનાવશે. આ ઉપરાંત આ પ્લાન્ટ્સમાંથી નીકળતું એક કરોડ ટન ફર્મેન્ટેડ ઓર્ગેનિક ખાતર ખેડૂતોને રાસાયણિક ખાતરોના વપરાશમાં ઘટાડો કરીને મહત્વની મદદ પૂરી પાડશે. આનાથી 15 લાખ એકર ઉજ્જડ જમીન ફળદ્રુપ ખેતીલાયક જમીનમાં પરિવર્તિત થશે, તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. આંધ્રપ્રદેશ ભારતના અગ્રણી રાજ્ય તરીકે ચમકે એ અમારું (રાજ્ય સરકાર અને રિલાયન્સનો) એક સંયુક્ત વિઝન છે. આ બાયોએનર્જી પ્રોજેક્ટ તે દિશામાં એક મોટું પગલું છે અને અમે તેને વાસ્તવિકતા બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. સાથે મળીને આપણે વેસ્ટને ગ્રીન વેલ્થ, એનર્જીને એમ્પાવરમેન્ટ અને લેન્ડને લાઇવલીહૂડમાં પરિવર્તિત કરીશું.”
આ પ્રસંગે મંત્રી નારા લોકેશે જણાવ્યું કે, “મને આનંદ છે કે અમે રેકોર્ડ સમયમાં જરૂરી સહાય પૂરી પાડી શક્યા છીએ જેના પરિણામે રિલાયન્સને પ્રકાશમ જિલ્લામાં આ પરિવર્તનશીલ સીબીજી પ્રોજેક્ટનો પાયો નાખવા સક્ષમ બનાવ્યું છે. આ ઘણા પ્રોજેક્ટ્સમાંનો પ્રથમ છે અને અમારું લક્ષ્ય છે કે રિલાયન્સ આંધ્રપ્રદેશમાં કુલ રૂ. 65,000 કરોડના રોકાણ સાથે આવા 500 પ્રોજેક્ટ્સ વિકસાવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા કેટલાક દાયકાઓથી આંધ્રપ્રદેશના સૌથી મોટા અને સૌથી વિશ્વસનીય રોકાણકારોમાંનું એક રહ્યું છે અને અમે આ ભાગીદારીને સીબીજી ક્ષેત્રમાં વિસ્તારવા માટે ઉત્સાહિત છીએ.”
આ કાર્યક્રમમાં ઊર્જા મંત્રી ગોટીપતિ રવિ કુમાર, ડોલા બાલા વીરંજનેય સ્વામી, મુખ્ય સચિવ વિજયાનંદ, પ્રકાશમ જિલ્લા કલેક્ટર તમીમ અન્સારિયા, ટ્રાન્સકો જેએમડી કીર્તિ ચેકુરી અને વિવિધ ધારાસભ્યો, એમએલસી અને રિલાયન્સના વરિષ્ઠ અધિકારીઓ સહિત રાજ્ય સરકારના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.