જોધપુરમાં નવનિર્મિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન

Spread the love
  • હજારો ભક્તો-ભાવિકો મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડ્યા.
  • સંગીત, સંવાદ અને ફૂલોની રંગોળી સાથે ભવ્ય સ્વાગત.
  • મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં
  • આગામી ૨૫ સપ્ટેમ્બરે મૂર્તિ પ્રતિષ્ઠા, ૨૩ સપ્ટેમ્બરે વિશ્વશાંતિ મહાયજ્ઞ, ૨૪ સપ્ટેમ્બરે ભવ્ય શોભાયાત્રા
    બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક ગુરુ, વિશ્વવિખ્યાત સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ શુક્રવારે સાંજે રાજસ્થાનના જોધપુર પધાર્યા હતા. મંદિરમાં ઉજવણી અને તેઓના સ્વાગતની તૈયારીઓ ઘણા દિવસો પૂર્વેથી જ શરૂ થઈ ગઈ હતી. તેમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક ભાવિકો ભક્તિભાવથી જોડાયા હતા.

ઐતિહાસિક અને વિશ્વવિખ્યાત મંદિરો જેવા કે અમેરિકામાં રોબિન્સવિલ, ન્યૂજર્સી ખાતેના અક્ષરધામ મંદિર અને અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના નિર્માતા એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે, 25 સપ્ટેમ્બરના રોજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે.

૧૯ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મંદિર મહોત્સવમાં રાજસ્થાન અને ભારતના વિવિધ રાજ્યો તેમજ અમેરિકા, યુરોપ, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા ખંડોમાંથી મોટી સંખ્યામાં ભક્તો-ભાવિકો જોડાશે.

૨૩ અને ૨૪ સપ્ટેમ્બરના રોજ સ્વામીજીની અધ્યક્ષતામાં વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાશે.

૨૪ સપ્ટેમ્બરના રોજ બપોરે ૨ વાગ્યાથી શરૂ થતી ભવ્ય નગર શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય શોભા યાત્રામાં સનાતન સંસ્કૃતિની ૬૬ પ્રકારની સુંદર ઝાંખીઓ જોવા મળશે.

૨૫ સપ્ટેમ્બરના રોજ, વેદોક્ત વિધિપૂર્વક મૂર્તિ સ્થાપન સમારોહ સવારે ૬:૩૦ થી ૯:૩૦ વાગ્યા સુધીમાં સંપન્ન થશે, ત્યારબાદ સાંજે ૫:૩૦ વાગ્યે ઉદ્ઘાટન સમારોહ યોજાશે.

વધુમાં, ૨૬ સપ્ટેમ્બરના રોજ બપોરે ૧ વાગ્યાથી મહિલા દિવસનો કાર્યક્રમ યોજાશે અને ૫:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

૨૭ સપ્ટેમ્બરના રોજ સાંજે સ્વાગત સમારોહ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ સંસ્કૃતિ દિવસનું આયોજન કરવામાં આવશે.

આ સંપૂર્ણ વ્યવસ્થાને સુચારુ રૂપથી ચલાવવા માટે અહીં અનેક સેવા વિભાગોની રચના કરવામાં આવી છે. મંદિરમાં હાલ લગભગ ૩૫ જેટલા વિવિધ સેવા વિભાગો કાર્યરત છે, જેમાં પાર્કિંગ વ્યવસ્થા, સભા વ્યવસ્થા, સુશોભન વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા, પ્રેસ વ્યવસ્થા, પૂછપરછ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગોના લગભગ ૧૦૦૦ જેટલા પુરુષ અને મહિલા સ્વયંસેવકો પૂરા સમર્પણભાવ સાથે પોતપોતાના સેવાકીય વિભાગોમાં સેવા કરી રહ્યા છે. શહેરના વહીવટીતંત્રે પણ વ્યવસ્થામાં પ્રશંસનીય સહયોગ આપ્યો છે.

પૂ. જ્ઞાનાનંદદાસ સ્વામીએ જણાવ્યું કે, ‘આ મંદિર સનાતન ધર્મ અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું ગૌરવ બની રહેશે જેના નિર્માણમાં હાલ બધા ભક્તો કેવળ ભગવાન અને ગુરુ પ્રત્યેના સમર્પણ ભાવથી સેવા કરી રહ્યા છે.’

ઉલ્લેખનીય છે કે જોધપુરી પથ્થરોનો ઉપયોગ કરીને બનેલું આ સર્વપ્રથમ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર છે. આ મંદિરનું નિર્માણ કાર્ય 2018 માં શરૂ કરવામાં આવ્યું હતું. 42 વીઘા પરિસરમાં નિર્મિત આ મંદિરમાં પાંચ ભવ્ય શિખરો, 281 ભવ્ય સ્તંભો અને 151 સંતો, ભક્તો, પાર્ષદો અને અવતારોના શિલ્પો રચવામાં આવ્યા છે. ઉપરાંત, તેમાં ભગવાન સ્વામિનારાયણના કિશોર વયના યોગી સ્વરૂપ એવા શ્રી નીલકંઠવર્ણીને સમર્પિત 11,551 ચોરસ ફૂટનો નીલકંઠવર્ણી અભિષેક મંડપમ પણ છે. જોધપુર, જયપુર, પિંડવાડા, સગવાડા અને ભરતપુરના 500 થી વધુ કારીગરોએ સંયુક્ત રીતે આ મંદિરનું નિર્માણ કર્યું છે.

મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને અર્જુન રામ મેઘવાલ, તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ સંભવિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *