લાખો ભક્તો માટે વિનામૂલ્યે અન્ન સેવા, 50 કિમીના માર્ગ પર 90 પોલીસ સહાય કેન્દ્રો અને ટેક-આધારિત સંકલન સાથે રિલાયન્સે વહીવટીતંત્રને આપ્યું મજબૂત સમર્થન.
ભુવનેશ્વર:
૧૬ જુલાઈ, ૨૦૨૬થી જગન્નાથપૂરીમાં શરૂ થઈ રહેલી ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રામાં દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ મહાપર્વમાં ભક્તોની યાત્રા સુરક્ષિત, સરળ અને સુવ્યવસ્થિત બને તે હેતુથી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પૂરી વહીવટીતંત્ર સાથે મળીને ‘પૂરી રથયાત્રા સેવા ૨૦૨૬’ નો ભવ્ય આરંભ કરવામાં આવ્યો છે. રિલાયન્સની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ યાત્રાળુઓ, ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓ અને સિવિક ઓથોરિટીને ગ્રાઉન્ડ લેવલ પર વ્યાપક સમર્થન પૂરું પાડવાનો છે.
‘પૂરી રથયાત્રા સેવા’ અંતર્ગત અપાતી મુખ્ય સુવિધાઓ:
રિલાયન્સ ફાઉન્ડેશનની ‘વી કેર’ (We Care) ફિલોસોફી અંતર્ગત આ વર્ષે યાત્રાને વધુ સુલભ બનાવવા માટે નીચે મુજબની વ્યવસ્થાઓ કરવામાં આવી છે:
- અન્ન સેવા અને શુદ્ધ જળ: યાત્રાળુઓ તેમજ ફરજ બજાવતા ફ્રન્ટલાઈન સર્વિસ પ્રોવાઈડર્સને વિનામૂલ્યે સાત્વિક ભોજન અને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
- પોલીસ અને સુરક્ષા સહાય: ૫૦ કિલોમીટરથી વધુ લાંબા મુખ્ય યાત્રાળુ માર્ગો અને વ્યૂહાત્મક સ્થળોએ લગભગ ૯૦ જેટલા પોલીસ સહાય કેન્દ્રોને માળખાગત સમર્થન આપવામાં આવ્યું છે.
- સ્વચ્છતા અને સ્વયંસેવકોની ફોજ: જાહેર સલામતી અને સ્વચ્છતાનું સ્તર ઊંચુ લાવવા માટે સ્વયંસેવકો દ્વારા સામુદાયિક જાગૃતિ અને સ્વચ્છતાની વિશેષ પહેલ હાથ ધરાઈ છે.
- ટેકનોલોજીનો ઉપયોગ (GIS પ્લેટફોર્મ): સમગ્ર પૂરી શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓનું યોગ્ય આયોજન, સંકલન અને રિયલ-ટાઇમ દેખરેખ રાખી શકાય તે માટે અત્યાધુનિક GIS (જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ) પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
“માનવસેવા એ જ પ્રભુસેવા છે” – અનંત અંબાણી
આ ભવ્ય સેવાકીય કાર્ય અંગે વાત કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “માનવસેવા એ જ પ્રભુસેવા છે. આ એવી બાબત છે જેમાં આપણે ઊંડી આસ્થા ધરાવીએ છીએ. આ વર્ષે, ખાસ કરીને આવા સમયે જ્યાં લાખો લોકો ભેગા થાય છે, ત્યાં લોકોની સેવા કરવાની તકને અમે આશીર્વાદ તરીકે જોઈએ છીએ. અમે માનીએ છીએ કે રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા કરીને, અમે દૈવ સેવા કરી રહ્યા છીએ. અમે ન્યૂટ્રીશન, સલામતી અને સ્વચ્છતા વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી વહીવટીતંત્રને પણ મદદરૂપ થઈ શકાય.”
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી રથયાત્રા દરમિયાન સામુદાયિક સેવામાં અગ્રેસર રહ્યું છે. આ વર્ષે ‘પૂરી રથયાત્રા સેવા ૨૦૨૬’ દ્વારા આ પ્રતિબદ્ધતાને વધુ વ્યાપક અને ટેકનોલોજી સજ્જ બનાવવામાં આવી છે, જેથી પ્રભુ જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શનાર્થે આવતા દરેક ભક્તને આરામ અને સમર્થન મળી રહે.
