રાઇઝ વર્લ્ડવાઇડના ઇતિહાસમાં જોડાનારી ૧૭ વર્ષીય કમલિની પ્રથમ મહિલા ક્રિકેટર બની; એજન્સી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને કોમર્શિયલ ડીલ્સનું સંચાલન કરશે
મુંબઈ:
રિલાયન્સની માલિકીની દેશની અગ્રણી સ્પોર્ટ્સ, લાઈફસ્ટાઈલ અને એન્ટરટેઈનમેન્ટ કંપની ‘રાઇઝ વર્લ્ડવાઇડ લિમિટેડ’ (RISE Worldwide) એ રમતના ભવિષ્યમાં મોટું રોકાણ કર્યું છે. એજન્સીએ ભારતીય મહિલા ક્રિકેટની સૌથી આશાસ્પદ અને ઊભરતી ૧૭ વર્ષીય સ્ટાર બેટર ગુણાલન કમલિની સાથે એક્સક્લુઝિવ કરાર કરવાની જાહેરાત કરી છે.
આ કરાર સાથે જ કમલિની રાઇઝ વર્લ્ડવાઇડના પોર્ટફોલિયોમાં સામેલ થનારી દેશની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે. હવે તે રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને સાઈ સુદર્શન જેવા ભારતીય ક્રિકેટના દિગ્ગજોની યાદીમાં સ્થાન પામી છે. એજન્સી હવે કમલિનીના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ, ડિજિટલ કન્ટેન્ટ, પબ્લિક એપિયરન્સ અને લાંબા ગાળાના બ્રાન્ડ ડેવલપમેન્ટનું સંચાલન કરશે, જેથી તે મેદાન પર પોતાની રમત પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે.
ખૂબ જ નાની ઉંમરે કમલિનીએ રચ્યા છે ઐતિહાસિક સીમાચિહ્નો
માત્ર ૧૭ વર્ષની ગુણાલન કમલિનીએ અત્યાર સુધીની ક્રિકેટ સફરમાં અદભુત પ્રગતિ કરી છે. તેના નામે અનેક મોટી સિદ્ધિઓ નોંધાયેલી છે:
- અંડર-19 વર્લ્ડ કપ વિજેતા: વર્ષ ૨૦૨૫ ની શરૂઆતમાં આઇસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો તે મહત્વનો ભાગ હતી, જ્યાં તે ટુર્નામેન્ટમાં ત્રીજી સૌથી વધુ રન બનાવનાર બેટર રહી હતી.
- WPL ની સૌથી યુવા ખેલાડી: માત્ર ૧૬ વર્ષની ઉંમરે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માં મુંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યૂ કરીને તેણે ઇતિહાસ રચ્યો હતો. ડબલ્યુપીએલ ૨૦૨૬ ના મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે તેને રિટેન પણ કરી છે.
- આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ અને એશિયન ગેમ્સ: વર્ષ ૨૦૨૫ ના અંતમાં શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં માત્ર ૧૭ વર્ષની ઉંમરે તેણે ટીમ ઇન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય પદાર્પણ કર્યું હતું. આ ઉપરાંત, તાજેતરમાં જ ૨૦૨૬ ની એશિયન ગેમ્સ માટે પણ ભારતની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે.
નવી સફર માટે કમલિની અને RISE ના હેડ ઉત્સાહિત
રાઇઝ વર્લ્ડવાઇડના હેડ નિખિલ બરડિયાએ આ જાહેરાત અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે કમલિનીનું અમારા પરિવારમાં સ્વાગત કરતા ગર્વ અનુભવીએ છીએ. તે એક અસાધારણ પ્રતિભા છે જેણે ઉચ્ચ સ્તરે સફળ થવા માટે આત્મવિશ્વાસ દર્શાવ્યો છે. અમારા રોસ્ટરમાં પ્રથમ મહિલા ખેલાડીનું સ્વાગત કરવું એ એક મોટો સીમાચિહ્ન છે.”
બીજી તરફ, ગુણાલન કમલિનીએ કહ્યું કે, “હું રાઇઝ વર્લ્ડવાઇડ સાથે જોડાવા બદલ ખૂબ જ ખુશ છું. તેમણે ભારતીય ક્રિકેટના કેટલાક સૌથી મોટા નામો સાથે કામ કર્યું છે. અત્યારે મારું ધ્યાન એક ક્રિકેટર તરીકે વધુ બહેતર બનવા પર છે અને જ્યારે હું મારા સપના પૂરા કરવા આગળ વધી રહી છું ત્યારે આવી ટીમનો સાથ મળવો અદ્ભુત છે.”
