આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઝીરો ટોલરન્સ નીતિ; વિદ્યાર્થીઓને હેરાન કરવા અમાનવીય કૃત્ય ગણાવ્યું, ગોત્રીમાં 5 વિદ્યાર્થીઓને છ મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરાયા
ગાંધીનગર/વ્યારા
રાજ્યની મેડિકલ કોલેજોમાં રેગિંગની ઘટનાઓ સામે ગુજરાત સરકારે કડક વલણ અપનાવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં કરવાની સ્પષ્ટ નીતિ સાથે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના પાંચ અને રાજકોટની પીડીયુ (PDU) મેડિકલ કોલેજના 14 વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. ગોત્રી મેડિકલ કોલેજના પાંચ વિદ્યાર્થીઓને છ મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા છે, જ્યારે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના 14 વિદ્યાર્થીઓને એક અઠવાડિયાથી લઈને એકથી બે મહિના સુધીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાપી જિલ્લાના 72 કલાકના પ્રવાસ દરમિયાન વ્યારા ખાતેથી રેગિંગની ઘટનાઓ અંગે સરકારનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, “રેગિંગ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને હેરાન કરવા એ અમાનવીય કૃત્ય છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રેગિંગ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે અને આવી પ્રવૃત્તિ કરનારાઓ સામે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
ગોત્રી મેડિકલ કોલેજમાં 12 કલાકમાં તપાસ અહેવાલ મંગાવાયો
વડોદરાની GMERS મેડિકલ કોલેજ, ગોત્રી ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે માનસિક હેરાનગતિની ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ ત્વરિત કાર્યવાહી કરી હતી. તેમણે સંબંધિત નિયામકને સૂચના આપીને માત્ર 12 કલાકમાં એન્ટી રેગિંગ કમિટીનો તપાસ અહેવાલ મંગાવ્યો હતો.
ત્યારબાદ શનિવાર, 28 નવેમ્બર, 2026ના રોજ સવારે 10 વાગ્યે ગોત્રી મેડિકલ કોલેજ ખાતે એન્ટી રેગિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની લેખિત તેમજ મૌખિક રજૂઆતો સાંભળવામાં આવી હતી. ઘટનાના વિવિધ પાસાઓની ચકાસણી અને રજૂઆતોના આધારે કમિટીએ શિસ્તભંગના કૃત્ય સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.
આ નિર્ણય અનુસાર ત્રીજા વર્ષના પાંચ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી છ મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે ગોત્રી મેડિકલ કોલેજના ડીન દ્વારા સત્તાવાર આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.
રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં પણ 14 સામે કાર્યવાહી
રેગિંગ સામેની કાર્યવાહીની કડકાઈ માત્ર વડોદરા પૂરતી સીમિત રહી નથી. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં પણ પ્રથમ વર્ષના MBBS વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવાના મામલે એન્ટી રેગિંગ કમિટીના અહેવાલના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
કમિટીના અહેવાલ બાદ કુલ 14 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. આ વિદ્યાર્થીઓને તેમના કૃત્યની ગંભીરતા અનુસાર એક અઠવાડિયાથી લઈને એકથી બે મહિના સુધીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રેગિંગ સામે કડક કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ
મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા નવા વિદ્યાર્થીઓને માનસિક કે શારીરિક રીતે હેરાન કરવાની પ્રવૃત્તિ સામે રાજ્ય સરકારે કડક સંદેશ આપ્યો છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા આવતાં વિદ્યાર્થીઓ માટે કોલેજ અને હોસ્ટેલનું વાતાવરણ સુરક્ષિત, સન્માનજનક અને ભયમુક્ત હોવું જરૂરી છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કડક દાખલો બેસાડવો જરૂરી છે. ગોત્રી અને રાજકોટની મેડિકલ કોલેજોમાં થયેલી કાર્યવાહી દ્વારા રાજ્ય સરકારે સંકેત આપ્યો છે કે રેગિંગના નામે કોઈપણ પ્રકારની હેરાનગતિ ચલાવી લેવામાં આવશે નહીં અને વિદ્યાર્થીઓના હિત તથા સુરક્ષા સાથે બાંધછોડ કરવામાં આવશે નહીં.
