‘આધુનિક યુગની અંધશ્રદ્ધા’ નાટકને મળ્યું પશ્ચિમ ઝોનમાં બીજું સ્થાન; 6 જાન્યુઆરીએ કોલકાતામાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ગ્રાન્ડ ફિનાલેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
ગાંધીનગર:
રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) 2026-27માં ગુજરાતના વિદ્યાર્થીઓએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે. મહીસાગર જિલ્લાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓની ટીમે પશ્ચિમ ઝોનલ સાયન્સ ડ્રામા સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ‘આધુનિક યુગની અંધશ્રદ્ધા’ વિષય પર આધારિત નાટકની અસરકારક રજૂઆતના આધારે ટીમે આ સફળતા મેળવી છે. આ સાથે જ મહીસાગરની ટીમે આગામી 6 જાન્યુઆરી, 2027ના રોજ કોલકાતાની સાયન્સ સિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ગ્રાન્ડ ફિનાલેમાં પ્રવેશ મેળવ્યો છે. હવે રાષ્ટ્રીય મંચ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મહીસાગરના વિદ્યાર્થીઓને મળશે.
મુંબઈમાં યોજાયેલી પશ્ચિમ ઝોનલ સ્પર્ધામાં ગુજરાતનો ડંકો
27 નવેમ્બર, 2026ના રોજ મુંબઈના નેહરુ સાયન્સ સેન્ટર ખાતે પશ્ચિમ ઝોનલ સાયન્સ ડ્રામા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલી મહીસાગરની ટીમે પશ્ચિમ ઝોનમાં બીજું સ્થાન મેળવી ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની મહેનત ઉપરાંત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા આપવામાં આવેલી વિશેષ તાલીમ, મેન્ટરશિપ અને સતત માર્ગદર્શનનો પણ મહત્વનો ફાળો રહ્યો છે.
રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહીસાગરની વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં અને આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી હતી.
રાજ્યના 31 જિલ્લાની ટીમો વચ્ચે યોજાઈ હતી સ્પર્ધા
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત GUJCOST દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, તર્કશક્તિ અને સર્જનાત્મકતા વિકસાવવાના હેતુથી રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM) સાથે સંકલન કરીને આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
આ પહેલના ભાગરૂપે 23 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર, 2026 દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં લોક વિજ્ઞાન કેન્દ્રો (CSC)ના માધ્યમથી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી. તેમાં ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓએ ‘વિજ્ઞાન અને સમાજ’ (Science & Society) વિષય પર કુલ 326 જેટલાં નાટકો રજૂ કર્યાં હતાં. જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનારી ટીમોમાંથી 31 ટીમોને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી હતી.
રાજકોટમાં રાજ્યકક્ષાની સ્પર્ધા, મહીસાગરની ટીમ પ્રથમ
રાજ્યકક્ષાનો બે દિવસીય વિજ્ઞાન નાટક મહોત્સવ 14 અને 15 ઓક્ટોબર, 2026ના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કલા અને રંગભૂમિ ક્ષેત્રના જાણીતા અગ્રણીઓ પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી, સંજય ગોરડિયા, વિરલ રાચ્છ અને ભરત યાજ્ઞિક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યકક્ષાની સ્પર્ધામાં મહીસાગર જિલ્લાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ‘આધુનિક યુગની અંધશ્રદ્ધા’ નાટક રજૂ કર્યું હતું. તેની અસરકારક રજૂઆતના આધારે ટીમે પ્રથમ સ્થાન મેળવી રાજ્ય વિજેતા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
મેન્ટરશિપ અને તાલીમથી રાષ્ટ્રીય મંચ સુધીની સફર
રાજ્યકક્ષાએ વિજેતા બનેલી મહીસાગરની ટીમને પશ્ચિમ ઝોનલ સ્પર્ધા માટે તૈયાર કરવા GUJCOST દ્વારા વિશેષ મેન્ટરની નિમણૂક કરવામાં આવી હતી. મેન્ટરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને નાટ્યલેખન, વૈજ્ઞાનિક તથ્યોની સચોટ રજૂઆત, અભિનય અને સ્ટેજ પ્રેઝન્ટેશન અંગે ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી હતી.
આ સઘન તૈયારીના પરિણામે જ વિદ્યાર્થીઓ મુંબઈની પશ્ચિમ ઝોનલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા. હવે કોલકાતામાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે માટે પણ GUJCOST દ્વારા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવશે.
નાટકના માધ્યમથી અંધશ્રદ્ધા સામે વૈજ્ઞાનિક અભિગમનો સંદેશ
વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે નાટક એક અસરકારક અને લોકભોગ્ય માધ્યમ છે. વિદ્યાર્થીઓ માત્ર પાઠ્યપુસ્તકો સુધી વિજ્ઞાનને સીમિત ન રાખે, પરંતુ સમાજની સમસ્યાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજતા થાય તે આ આયોજનનો મુખ્ય હેતુ છે. ખાસ કરીને અંધશ્રદ્ધા દૂર કરવા, તર્કશક્તિ વિકસાવવા અને નવી પેઢીમાં વૈજ્ઞાનિક વિચારસરણી કેળવવા માટે GUJCOST દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે.
રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ પી. ભારતી (IAS)ના વડપણ હેઠળ તથા GUJCOSTના ડિરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ જાડેજા (IAS)ના નેતૃત્વમાં સંસ્થા રાજ્યભરના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે જોડવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી રહી છે.
જિલ્લાકક્ષાથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી વિદ્યાર્થીઓને યોગ્ય મંચ, નિષ્ણાતોનું માર્ગદર્શન, તાલીમ અને પ્રોત્સાહન આપવાની આ પહેલથી ગુજરાતમાં વિજ્ઞાન નાટકોની નવી ઇકોસિસ્ટમ વિકસવાની આશા છે. મહીસાગરના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. હવે સૌની નજર 6 જાન્યુઆરીએ કોલકાતામાં યોજાનારી રાષ્ટ્રીય ગ્રાન્ડ ફિનાલે પર છે, જ્યાં મહીસાગરની ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
