સાત વિશેષ ગેલેરીઓમાં ગુજરાતની શૌર્યગાથા, સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન અને મહાગુગુજરાત ચળવળની ઝાંખી જોવા મળશે; AR-VR, હોલોગ્રાફિક પ્રસ્તુતિઓ અને ઇન્ટરએક્ટિવ ટેકનોલોજીથી પ્રવાસીઓને મળશે અનોખો અનુભવ
એકતાનગર:
ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિકાસયાત્રાને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવા માટે એકતાનગર ખાતે રૂ. 900 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘ગુજરાત વંદના મ્યુઝિયમ’નું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સાકાર થનારો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એકતાનગરના પ્રવાસન આકર્ષણમાં વધુ એક મહત્ત્વપૂર્ણ ઉમેરો બનશે.
આ મ્યુઝિયમનો મુખ્ય હેતુ ગુજરાતના ઇતિહાસ, સંસ્કૃતિ, શૌર્ય, પરંપરા અને વિકાસની સફરને એક જ સ્થળે જીવંત સ્વરૂપે રજૂ કરવાનો છે. તેના માધ્યમથી રાજ્યના નાગરિકોમાં ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસ પ્રત્યે ગર્વની લાગણી મજબૂત કરવાની સાથે દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખથી પરિચિત કરાવવામાં આવશે.
સાત વિશેષ ગેલેરીઓમાં જોવા મળશે ગુજરાતની ગૌરવગાથા
‘ગુજરાત વંદના મ્યુઝિયમ’ને મુલાકાતીઓ માટે રસપ્રદ, જ્ઞાનવર્ધક અને યાદગાર અનુભવ બનાવવાના હેતુથી સાત વિશેષ ગેલેરીઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તેમાં ઓરિએન્ટેશન ગેલેરી, ઓડિટોરિયમ, ગૌરવ ગેલેરી, બ્યુટીફુલ ગેલેરી, ઉત્સવ ગેલેરી, શિલ્પ ગેલેરી અને ગુજરાતનું ભવિષ્ય ગેલેરીનો સમાવેશ થાય છે.
આ ગેલેરીઓમાં ગુજરાતની શૌર્યગાથા, ઐતિહાસિક ઘટનાઓ, સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન, મહાગુગુજરાત ચળવળ અને અલગ રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપનાની સફરને વિશેષ રીતે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતની કલા, સ્થાપત્ય, લોકસંસ્કૃતિ, ઉત્સવો અને પરંપરાઓની પણ ઝાંખી જોવા મળશે. આમ, ગુજરાતના ભૂતકાળથી લઈને ભવિષ્યની વિકાસયાત્રા સુધીની વિવિધ બાબતોને એક જ છત નીચે આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવશે.
AR-VR અને હોલોગ્રાફિક ટેકનોલોજીથી મળશે જીવંત અનુભવ
આ મ્યુઝિયમની વિશેષતા તેની અત્યાધુનિક ટેકનોલોજી આધારિત રજૂઆત હશે. પરંપરાગત સંગ્રહાલયોથી અલગ અહીં મુલાકાતીઓને માત્ર ઐતિહાસિક વસ્તુઓ અને માહિતી જોવાનો જ નહીં, પરંતુ તેનો વાસ્તવિક અનુભવ કરવાનો અવસર મળશે.
તેના માટે હોલોગ્રાફિક પ્રસ્તુતિઓ, અત્યાધુનિક ઉપકરણો, મોબાઇલ એપ્લિકેશન્સ અને સ્માર્ટફોન સાથે સંકલિત ઇન્ટરએક્ટિવ પ્રોજેક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) આધારિત અનુભવો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેના પરિણામે ગુજરાતની ઐતિહાસિક ઘટનાઓ, સાંસ્કૃતિક વારસા અને વિકાસની ગાથા વધુ આકર્ષક અને અસરકારક રીતે રજૂ કરી શકાશે.
પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓનું પણ આયોજન
મ્યુઝિયમમાં ઐતિહાસિક અને ટેકનોલોજી આધારિત પ્રસ્તુતિઓની સાથે પ્રવાસીઓની સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં એરકન્ડિશન્ડ કેફેટેરિયા, ખુલ્લી જગ્યાઓ, શાંતિથી બેસીને વિચાર-મંથન કરી શકાય તેવી બેઠક વ્યવસ્થા અને ક્લોકરૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
એકતાનગરના પ્રવાસનને મળશે નવી ઓળખ
સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતનાં વિવિધ પ્રવાસન આકર્ષણો માટે જાણીતા એકતાનગરમાં ‘ગુજરાત વંદના મ્યુઝિયમ’નું નિર્માણ પ્રવાસન ક્ષેત્રે વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. રૂ. 900 કરોડના આ પ્રોજેક્ટ થકી ગુજરાતના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને વિશ્વ સમક્ષ રજૂ કરવાની તક ઊભી થશે. સાથે જ એકતાનગરને માત્ર પ્રવાસન સ્થળ તરીકે જ નહીં, પરંતુ ગુજરાતના ઇતિહાસ, સંસ્કૃતિ અને ગૌરવની જાણકારી મેળવવાના મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં પણ આ પ્રોજેક્ટ મહત્ત્વનો બની રહેશે.
