૨૮ દિવસના માસૂમ પુત્રને પિતાની અંતિમ હુંફ અપાવી પત્નીએ કરાવ્યું અંગદાન; અમદાવાદ સિવિલનું ૨૬૪મું અંગદાન

Spread the love

એક જ અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલમાં ત્રીજું અંગદાન, ૧ લીવર અને ૨ કિડનીના દાનથી ત્રણ દર્દીઓને મળશે નવજીવન

૩૨ વર્ષીય બ્રેઈનડેડ યુવાનનાં પત્નીએ પતિને ગુમાવવાના દુઃખ વચ્ચે માનવતાની મિસાલ કાયમ કરી; સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧,૧૪૩ અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું

કોઈ વ્યક્તિ અંગની રાહ જોતા જીવન ગુમાવે નહીં એ જ અંગદાન અભિયાનનો સાચો ઉદ્દેશ્ય : ડૉ. રાકેશ જોશી

અમદાવાદ :

દુઃખની ઘડીમાં પણ માનવતાને સર્વોપરી રાખી અંગદાનનો નિર્ણય

જીવનસાથીને ગુમાવવાનું દુઃખ અસહ્ય હોય છે, પરંતુ આ દુઃખની ઘડીમાં પણ અન્ય ત્રણ પરિવારોના જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટાવવાનો નિર્ણય લઈને એક મહિલાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક જ અઠવાડિયામાં ત્રીજું અને અત્યાર સુધીનું કુલ ૨૬૪મું અંગદાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે. ગાંધીનગર નજીક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલા ૩૨ વર્ષીય યુવાનનાં પત્નીએ અંગદાનની સંમતિ આપતાં ૧ લીવર અને ૨ કિડનીનું દાન પ્રાપ્ત થયું છે. આ અંગોના પ્રત્યારોપણથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.

આ અંગદાનની સૌથી હૃદયસ્પર્શી બાબત એ છે કે મૃતક યુવાનને ત્રણ સંતાનો છે, જેમાં સૌથી નાનો પુત્ર માત્ર ૨૮ દિવસનો છે. અંગદાન પૂર્વેની અંતિમ પ્રાર્થના સમયે માતા પોતાના ૨૮ દિવસના માસૂમ પુત્રને લઈને ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમયે માતાએ બાળકને પિતાની અંતિમ હુંફ અપાવી હતી. પતિને ગુમાવવાના અસહ્ય આઘાત વચ્ચે પણ તેમણે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચી શકે તેવા ઉમદા હેતુથી અંગદાનની મંજૂરી આપી હતી. પરિવારનો આ નિર્ણય ત્યાગ, સંવેદના અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો છે.

માર્ગ અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

ઘટનાની વિગતો મુજબ, ૩૨ વર્ષીય યુવાનને ગાંધીનગર નજીક માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. વધુ સારવાર માટે તેમને ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો અને સારવાર ટીમ દ્વારા યુવાનનો જીવ બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને કારણે ૨૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ તબીબી પ્રક્રિયા અને નિયમાનુસાર તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમે પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. પરિવારને સમજાયું કે અંગદાન થકી અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળી શકે છે. આથી પત્નીએ ભારે હૈયે અંગદાન માટે સંમતિ આપી હતી. તેમના આ નિર્ણયથી ત્રણ દર્દીઓ માટે જીવનની નવી આશા ઊભી થઈ છે.

સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧,૧૪૩ અંગો અને પેશીઓનું દાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને પેશીદાનની પ્રવૃત્તિ માનવસેવાના એક મોટા સેવાયજ્ઞ તરીકે આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં કુલ ૨૬૪ અંગદાતાઓના માધ્યમથી ૮૭૭ અંગો અને ૨૬૬ પેશીઓ મળી કુલ ૧,૧૪૩ અંગો-પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે.

અત્યાર સુધી પ્રાપ્ત થયેલા અંગદાનની વિગતો નીચે મુજબ છે:

અંગ / પેશીદાનની સંખ્યા
કિડની૪૮૮
લીવર૨૩૮
હૃદય૮૪
ફેફસાં૩૪
સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ)૨૫
હાથ૬
નાનું આંતરડું૨
આંખો (કોર્નિયા)૨૧૪
સ્કિન (ચામડી)૫૨
કુલ૧,૧૪૩

આમ, અંગો અને પેશીઓના દાન થકી અનેક ગંભીર બીમારીઓથી પીડિત અને અંગપ્રત્યારોપણની રાહ જોઈ રહેલા દર્દીઓને નવું જીવન મળ્યું છે.

અંગદાન અંગે જનજાગૃતિ વધારવી જરૂરી : ડૉ. રાકેશ જોશી

આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ, નિષ્ણાત તબીબો અને સમગ્ર સ્ટાફના સંકલિત પ્રયાસોથી આ જીવનદાયી સેવાયજ્ઞ સતત આગળ વધી રહ્યો છે. સમાજમાં અંગદાન અંગે વધુને વધુ જાગૃતિ આવે તે અત્યંત જરૂરી છે.

તેમણે જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આપણે સૌ અંગદાનનો સંકલ્પ લઈ માનવતાની આ જીવનદાયી ચળવળમાં સહભાગી બનીએ. કોઈ વ્યક્તિ અંગની રાહ જોતા જીવન ગુમાવે નહીં એ જ અંગદાન અભિયાનનો સાચો ઉદ્દેશ્ય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં થયેલાં ત્રણ અંગદાન અને અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલા ૧,૧૪૩ અંગો-પેશીઓનું દાન એ દર્શાવે છે કે અંગદાન માત્ર એક તબીબી પ્રક્રિયા નથી, પરંતુ મૃત્યુ પછી પણ બીજાના જીવનમાં આશા અને ખુશીનું કારણ બનવાની માનવતાની અનોખી તક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *