મહોમ્મદ ઈસ્માઈલ પંજાબના સાહીવાલ જિલ્લામાં અને તેમના પિતરાઈ બહેન સુરિન્દર કોર જાલધંરમાં રહે છે

નવી દિલ્હી
1947માં ભારત અને પાકિસ્તાનના પડેલા ભાગલાની પીડા આજે પણ ઘણા પરિવારો વેઠી રહ્યા છે. ઘણા પરિવારો એક બીજાથી વિખૂટા પડી ગયા હતા.
આવા જ એક કિસ્સામાં ભાગલા વખતે અલગ થઈ ગયેલા ભાઈ અને બહેનનુ 76 વર્ષે મિલન થયુ છે. મળતી વિગતો પ્રમાણે ભાગલા પડ્યા ત્યારે મહોમ્મદ ઈસ્માઈલ પાકિસ્તાનના લાહોરથી 200 કિલોમીટર દુર પંજાબના સાહીવાલ જિલ્લામાં રહેતા હતા. તેમની બહેન સુરિન્દર કોર જાલધંરમાં રહેતી હતી. બંને પિતરાઈ ભાઈ બહેન છે અને તેમની વય 80 વર્ષની છે
સોશિયલ મીડિયા થકી તેમનો મેળાપ શક્ય બનયો હતો.પાકિસ્તાનની યુ ટ્યુબ ચેનલ પર ઈસ્માઈલની કહાનીને રજૂ કરાઈ હતી. ઓસ્ટ્રેલિયામાં રહેતા સરદાર મિશન સિંહ નામની વ્યક્તિએ આ કહાની જોઈ હતી અને તેમણે ઈસ્માઈલને ભારતમાં રહેતા તેમના પરિવાર અંગે જાણકારી આપી હતી તથા બહેન સુરિન્દર કોરનો નંબર પણ આપ્યો હતો.
એ પછી બંને ભાઈ બહેને 76 વર્ષ બાદ વાત કરીને કરતારપુર કોરિડોર થકી ગુરુદ્વારા દરબાર સાહિબમાં મળવાનુ નક્કી કર્યુ હતુ. જ્યારે બંને ભાઈ બહેન એક બીજાને મળ્યા ત્યારે ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તેમના મિલનને જોઈને બીજા લોકો પણ ભાવુક બની ગયા હતા.
મહોમંદ ઈસ્માઈલ અને સુરિન્દર કોરના મેળાપની તસવીરો સામે આવી છે. બંનેની સાથે તેમના બીજા સગા સબંધીઓ પણ મોજુદ છે.