આ ટ્રોફી જીતવી સારી રહેશે જેના માટે ટીમ છેલ્લા બે વર્ષથી સખત મહેનત કરી રહી છેઃ ટીમ ઈન્ડિયાના કોચ
લંડન
ભારત વર્ષ 2021માં ડબલ્યુટીસીફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું, જ્યારે અન્ય આઈસીસીટુર્નામેન્ટમાં નોકઆઉટ સ્ટેજમાં હાર્યું હતું. ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં આઈસીસીટ્રોફી જીતી હતી. ભારતીય ટીમ ભલે છેલ્લા 10 વર્ષોમાં કોઈ આઈસીસીટ્રોફી જીતી ન હોય, પરંતુ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ગઈકાલે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા તેમની ટીમ પર કોઈ દબાણ નથી. તેમણે કહ્યું કે આ ટ્રોફી જીતવી સારી રહેશે જેના માટે ટીમ છેલ્લા બે વર્ષથી સખત મહેનત કરી રહી છે.
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે અમારા પર કોઈપણ પ્રકારનું દબાણ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે અમે આઈસીસીટ્રોફી જીતવા માટે કોઈપણ પ્રકારનું દબાણ અનુભવી રહ્યા નથી. સ્વાભાવિક છે કે ટ્રોફી જીતવી સારી રહેશે. આઈસીસીટૂર્નામેન્ટ જીતવામાં સફળ થવું ચોક્કસપણે સારું રહેશે કારણ કે અમે બે વર્ષથી સખત મહેનત કરી છે.
દ્રવિડે વધુમાં કહ્યું હતું કે ઘણી સફળતા હાંસલ કર્યા પછી જ અમે અહીં પહોંચ્યા છીએ. તેથી અમારી પાસે ઘણા સકારાત્મક પાસાઓ છે. ઓસ્ટ્રેલિયામાંથી શ્રેણી જીતીને, ઇંગ્લેન્ડ સામે શ્રેણી ડ્રો કરીને, આ ટીમ દરેક જગ્યાએ દરેક ટીમને સખત ટક્કર આપવાની ક્ષમતા ધરાવે છે. આ વસ્તુઓ ફક્ત એટલા માટે નહી બદલાય કારણ કે અમે આઈસીસીટ્રોફી જીતી નથી. આ ખરેખર એક મહાન તક છે.
મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણે 18 મહિના બાદ તેની પ્રથમ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે અને નિષ્ફળતા તેના કરિયરનો અંત લાવી શકે છે. દ્રવિડે અનુભવી બેટ્સમેનને સલાહ પણ આપી હતી. તેણે કહ્યું હતું કે રહાણે ટીમ સાથે છે તે ટીમ માટે સારું છે. કેટલાક ખેલાડીઓની ઈજાના કારણે તેને ટીમમાં વાપસીનો મોકો મળ્યો હતો. તે સારું છે કે અમારી પાસે તેની કુશળતા અને અનુભવનો સાથ છે. દ્રવિડે કહ્યું કે રહાણેના આવવાથી ટીમમાં અનુભવ વધ્યો છે. તે વિદેશમાં સારો પ્રદર્શન કરી રહ્યો છે અને ઈંગ્લેન્ડમાં પણ તેણે કેટલીક શાનદાર ઈનિંગ્સ રમી છે. તેમના નેતૃત્વમાં ટીમે કેટલીક સારી સફળતાઓ હાંસલ કરી છે. હું નથી ઈચ્છતો કે તે આને તેની એકમાત્ર તક તરીકે જુએ.
ચેતેશ્વર પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે અને દ્રવિડે કહ્યું કે તેની સલાહ ટીમને ઘણી મદદ કરી શકે છે. અમે પુજારા સાથે કેપ્ટનશિપ અને બેટિંગ વિશે ચર્ચા કરી હતી. તેણે સસેક્સનું નેતૃત્વ પણ કર્યું હતું અને તેથી તે કાઉન્ટીમાં રમતા બોલરોની રણનીતિને સારી રીતે સમજે છે. તેથી અમે તેની સાથે તેના વિશે વાતચીત કરી અને અમે તેમની સલાહ પર કેવી રીતે કાર્ય કરી શકીએ છીએ એ વિશે પણ વાત થઇ હતી.