આ કારણે મારું માથું દુખવા લાગ્યું. આંખોને એડજસ્ટ કરવામાં પણ સમય લાગી રહ્યો હતોઃ મેક્સવેલ

મુંબઈ
ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 309 રનથી જીત મેળવી હતી. ગ્લેન મેક્સવેલે આ મેચમાં વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી. મેક્સવેલે 40 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. પરંતુ મેચ સમાપ્ત થયા બાદ તે નારાજ જોવા મળ્યો હતો. તેણે અરુણ જેટલી સ્ટેડિયમમાં આયોજિત લાઈટ શોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.
મેક્સવેલે સ્ટેડિયમમાં આયોજિત લાઈટ શો અંગે કહ્યું હતું કે, ‘ક્રિકેટરો માટે આ ખૂબ જ ભયંકર છે. આ ચાહકો માટે સારું હોઈ શકે છે. પરંતુ ક્રિકેટરો માટે નહીં.’ મેકસવેલનું કહેવું હતું કે લાઈટ શોના કારણે તેને ઘણી મુશ્કેલીઓ થઇ હતી. તેણે કહ્યું, ‘આ કારણે મારું માથું દુખવા લાગ્યું. આંખોને એડજસ્ટ કરવામાં પણ સમય લાગી રહ્યો હતો. મને લાગે છે કે આ ક્રિકેટરો માટે ખૂબ જ મૂર્ખતાપૂર્ણ હતું. હું મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તે તદ્દન ભયંકર હતું. આ ચાહકો માટે ઘણું સારું છે. પરંતુ ક્રિકેટરો માટે નહીં.’
મેકસવેલના નિવેદન પર ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર ડેવિડ વોર્નરે પ્રતિક્રિયા આપી છે. વોર્નરે બચાવ કરતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(ટ્વિટર) પર લખ્યું, ‘મને લાઈટ શો ખૂબ ગમ્યો. કેવું શાનદાર વાતાવરણ હતું. આ બધું માત્ર ચાહકો માટે હતું. તમારા બધા વિના અમે તે કરી શકતા નથી જે અમને પસંદ છે.’