બિઝનેસ સ્ટાન્ડર્ડ બીએફએસઆઈ સમિતિ 2023ને સંબોધિત કરતા ક્રિસ વુડે શેરબજાર માટે સૌથી મોટા રિસ્કનો ઉલ્લેખ કરતા ચોંકાવનારું નિવેદન કર્યું
નવી દિલ્હી
આગામી વર્ષે 2024માં થનારી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર સતત ત્રીજી વખત સત્તામાં ન આવી તો ભારતીય શેરબજારમાં સુનામી આવી શકે છે. શેરબજાર 25% સુધી પડી શકે છે. આ આશંકા દુનિયાના દિગ્ગજ રોકાણકાર ઝેફઅફરીઝના ક્રિસ્ટોફર વુડે કરી છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડ બીએફએસઆઈ સમિતિ 2023ને સંબોધિત કરતા ક્રિસ વુડે શેરબજાર માટે સૌથી મોટા રિસ્કનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો સત્તારુઢ પાર્ટી 2024માં સતત ત્રીજી વખત સત્તામાં ન આવી તો ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો આવી શકે છે. જોકે, ક્રિસ વુડે આ સાથે જ એ પણ કહ્યું કે, તેની શક્યતાઓ ઘણી ઓછી જણાઈ રહી છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ વાળી એનડીએ સરકારને કોંગ્રેસની આગેવાની વાળી યુપીએ સરકારે 2004ની લોકસભામાં ચૂંટણીમાં હરાવી હતી. જેની કોઈને પણ આશા નહોતી. ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ તે સમયે શેરબજારમાં સતત બે દિવસ સુધી લોઅર સર્કિટ લાગ્યુ હતું. કારણ કે, યુપીએ સરકાર વામપંથી દળ સીપીએમના સમર્થનથી બની રહી હતી જે આર્થિક સુધારાની કટ્ટર વિરોધી હતી. ક્રિસ વુડે 2004ને યાદ કરતા કહ્યું કે, 2004માં જે થયુ એવું જ જો 2024માં થશે તો શેરબજારમાં 25%નો ઘટાડો આવી શકે છે. જોકે, તેમણે આ સાથે જ એમ પણ કહ્યું કે, એટલી જ તેજીથી બજાર ફરીથી ઉપર પણ આવી જશે.
2014ની લોકસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો 16 મે 2014ના રોજ જે દિવસે મતોની ગણતરી થઈ રહી હતી અને જ્યારે સ્પષ્ટ થઈ ગયું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બહુમતી સાથે એનડીએ સરકાર બનવા જઈ રહી છે ત્યારે તે દિવસે પહેલી વાર બીએસઈ સેન્સેક્સ 25,000 ના લેવલને પાર કરવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સમાં 1450 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. એનએસઈનો નિફ્ટી પણ પહેલી વાર દિવસના ટ્રેડમાં 7500ના આંકડાને પાર કરવામાં સફળ રહ્યો હતો. જોકે, બજાર બંધ થાય તે પહેલાં પ્રોફિટ બુકિંગ પાછું આવતા સેન્સેક્સ માત્ર 216 પોઈન્ટના ઉછાળા સાથે 24121 પર અને નિફ્ટી 75 પોઈન્ટના ઉછાળા સાથે 7200 પર બંધ થયો હતો.
2019ની લોકસભા ચૂંટણીના મત ગણતરીના દિવસે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકાર બનવા જઈ રહી છે એ સ્પષ્ટ થતાં જ પહેલી વખત દિવસના ટ્રેડમાં BSE સેન્સેક્સ 40,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 12000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો જે એક ઐતિહાસિક રેકોર્ડ લેવલ હતો. જોકે બજાર બંધ થતા બંને ઈન્ડેક્સ લાલ નિશાનમાં ક્લોઝ થયા હતા. સેન્સેક્સ 298 પોઈન્ટના ઘટાડા સાથે 38811 પોઈન્ટ અને નિફ્ટી 80 પોઈન્ટના ઘટાડા સાથે 11657 પોઈન્ટ પર બંધ થયો હતો.