પાસપોર્ટ ધારકોનો પ્રથમ ગ્રૂપ આજે યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીથી ઈજિપ્ત માટે રવાના થઈ ગયો

તેલ અવિવ
ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના હુમલાથી હાહાકાર મચી ગયો છે. સતત બોમ્બમારામાં મોટી સંખ્યામાં જાનહાનિ થઇ રહી છે. આવી સ્થિતિ વચ્ચે ઈજિપ્ત ગાઝા પટ્ટીમાં પહેલાથી રહેતા વિદેશી નાગરિકોની મદદ માટે આગળ આવ્યું છે. ઈજિપ્તે ગાઝા પટ્ટીના બીમાર વિદેશી નાગરિકોની સારવાર માટે રાફાહ બોર્ડર ખોલી દીધી છે.
એક અહેવાલ અનુસાર વિદેશી પાસપોર્ટ ધારકોનો પ્રથમ ગ્રૂપ આજે યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીથી ઈજિપ્ત માટે રવાના થઈ ગયો હતો. નામ ન છાપવાની શરતે અધિકારીએ જણાવ્યું હતું કે વિદેશી પાસપોર્ટધારકોનો પ્રથમ જથ્થો બુધવારે રાફાહ ટર્મિનલથી ઈજિપ્ત માટે રવાના થયો હતો.
ઈજિપ્ત અને પેલેસ્ટાઈનના અધિકારીઓ અનુસાર ઈજિપ્તની ગુપ્તચર સેવાઓના નજીકના ટેલિવિઝન ચેનલોએ 81 ગંભીર રીતે ઘાયલ પેલેસ્ટિનીઓને ઈજિપ્તની હોસ્પિટલોમાં સારવાર માટે લાવવા ઈજિપ્ત તરફથી ટર્મિનલમાં પ્રવેશતી એમ્બ્યુલન્સના એક ફ્લિટની લાઈવ તસવીરો જાહેર કરી હતી. ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈજિપ્તે ગાઝામાં ફસાયેલા વિદેશી નાગરિકોની મદદ માટે હાથ લંબાવ્યો હતો.