વિશ્વમાં સૌથી વધુ યુએઈના વર્કર એવરેજ 52.6 કલાક કામ કરે છે

Spread the love

ભારતમાં સરેરાશ 48 કલાક, ચીનમાં વર્કર એવરેજ 46 કલાક કામ જયારે અમેરિકામાં 37 કલાક અને યુકે અને ઇઝરાયેલમાં 36 કલાક કામ કરે છે

નવી દિલ્હી

ઈન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિના નિવેદનને લઈને હોબાળો થયો છે. નારાયણ મૂર્તિએ સલાહ આપી છે કે દેશના યુવાનોએ દર અઠવાડિયે 70 કલાક કામ કરવું જોઈએ, જેથી ભારત ઝડપથી પ્રગતિ કરી શકે. તેમનું માનવું છે કે જયારે દેશનો યુવાન અઠવાડિયામાં 70 કલાક કામ કરશે તો ત્યારે ભારત એવા દેશોની અર્થવ્યવસ્થાની હરોળમાં આવશે કે જેણે છેલ્લા બે-ત્રણ દશકમાં સફળતા મેળવી હોય. 

એક પોડકાસ્ટમાં તેમને કહ્યું હતું કે ભારતની કામની ઉત્પાદકતા  દુનિયામાં સૌથી ઓછી છે. જયારે આપણી સૌથી વધુ હરિફાઇ ચીન સાથે છે. જેથી યુવાનોએ વધુ કામ કરવું જોઈએ. જો કે તેમના આ નિવેદન પર હોબાળો થયો હતો, જેમાં અમુક લોકો આ વાતથી સહમત છે જયારે અન્ય વર્ગનું કહેવું છે કે આ માટે 70 કલાક કામ કરવું જરૂરી નથી. 

નારાયણમૂર્તિ એકલા એવા ઉદ્યોગપતિ નથી કે જેઓ વધુ કલાક કામ કરવાની વાત કરે છે. પરંતુ તેમના પહેલા ચીની ઉદ્યોગપતિ અને અલીબાબાના સ્થાપક જેક માએ પણ ‘9-9-6 રૂલ’ની વાત કરી હતી. જેમાં અઠવાડિયાના 6 દિવસ સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી કામ કરવું જોઈએ. આમ જોઈએ તો લેબર કોડમાં કામ કરવાની કલાકો નક્કી જ કરેલી છે. જેમાં દરરોજ 8 કલાક કામ કરવાનું નક્કી છે એટલે કે એક અઠવાડિયામાં 48 કલાક કામ કરવાનું થયું. 

અઠવાડિયામાં સૌથી વધુ કામ કરતા લોકોના દેશોમાં ભારત પણ સામેલ છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ મુજબ દુનિયાભરમાં કામના કલાકો 48 જ નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ ભૂતાન, કોન્ગો, કતાર, યુએઈ અને ગામ્બિયા જ એવા દેશો છે કે જ્યાં કામ કરવાની કલાકો ભારત કરતા વધુ છે એટલે કે ભારતનો સમાવેશ એવા દેશોમાં થાય છે કે જ્યાં લોકો વધુ કલાકો માટે કામ કરતા હોય.

અઠવાડિયામાં સૌથી વધુ કલાકો સુધી સંયુક્ત આરબ એમિરેટના લોકો કામ કરે છે. એટલે કે દરેક વર્કર એવરેજ 52.6 કલાક કામ કરે છે. જયારે ચીનમાં વર્કર એવરેજ 46 કલાક કામ કરે છે. જયારે અમેરિકામાં 37 કલાક અને યુકે અને ઇઝરાયેલમાં 36 કલાક કામ કરે છે. 

2022-23ના પીરિયોડીક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) મુજબ દેશમાં સેલેરી ક્લાસ અને રોજ પર કામ કરતા કર્મચારી અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરે છે. તેમજ ગામડું હોય કે શહેર મહિલાઓ કરતા પુરુષો જ વધુ કલાકો માટે કામ કરે છે. તેમજ આ રિપોર્ટ મુજબ પોતાના માટે કામ કરતા લોકો અઠવાડિયામાં 41 કલાક કામ કરે છે. જયારે પગાર કે રોજ લેનારા કર્મચારી 49 કલાક કામ કરે છે. તેમજ કેઝ્યુઅલ લેબર અઠવાડિયાના 40 કલાક કામ કરે છે.

પરિણામો એ પણ દર્શાવે છે કે શહેરમાં સ્વ-રોજગાર ધરાવતા લોકો ગામડાં કરતાં 10 કલાક વધુ કામ કરે છે. ગામમાં દરેક સ્વરોજગાર વ્યક્તિ સરેરાશ 39 કલાક કામ કરે છે. તે જ સમયે, શહેરમાં પોતાનું કામ સંભાળતી વ્યક્તિ 49 કલાક કામ કરે છે.

ભારતીયો ભલે વધુ કલાકો માટે કામ કરતા હોય પરતું તેમની આવક વધુ હોતી નથી. સરકારી આંકડાઓ મુજબ દરેક ભારતીયોની એવરેજ વાર્ષિક આવક રૂ 1,70,620 છે. એટલે કે મહીને તેમની આવક રૂ14,218 થાય.   

જો કે, પીએલએફએસ સર્વેમાં, પગારદાર વર્ગ, સ્વ-રોજગાર અને કેઝ્યુઅલ શ્રમિકોની કમાણી અંગે જુદા જુદા અંદાજો છે. પીએલએફએસ મુજબ, પગાર અથવા નિયમિત વેતન મેળવનાર દરેક વ્યક્તિની સરેરાશ માસિક કમાણી માત્ર 20 હજાર રૂપિયાની આસપાસ છે, જ્યારે, આ લોકો અઠવાડિયામાં મહત્તમ કલાકો કામ કરે છે. એ જ રીતે, જે લોકો સ્વ-રોજગારમાં કામ કરે છે, તેઓ દર મહિને સરેરાશ 13,300 રૂપિયાથી વધુ કમાઈ શકે છે. કેઝ્યુઅલ મજૂરીની કમાણી પણ રોજની 400 રૂપિયાની આસપાસ છે.

હવે એ મુદ્દા પર આવીએ કે જેના પર નારાયણ મૂર્તિએ વધુ કામ કરવાની સલાહ આપી છે. નારાયણ મૂર્તિ કહે છે કે જો તમે વધુ કામ કરશો તો ઉત્પાદકતા વધશે. પણ શું ખરેખર આવું થાય છે?

સંશોધન આ વાતને નકારે છે. સંશોધન દર્શાવે છે કે જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં 50 કલાકથી વધુ કામ કરે છે, તો તે નક્કી છે કે તેની ઉત્પાદકતામાં ઘટાડો થવાનું શરૂ થશે. તે જ સમયે, જો આ કામના કલાકો 55 કલાકથી વધુ હોય તો ઉત્પાદકતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. એટલું જ નહીં, અઠવાડિયામાં ઓછામાં ઓછી એક દિવસની રજા ન મળવાથી પણ ઉત્પાદકતા પર અસર પડે છે.

તેમજ એક રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે દિવસમાં પાંચ કલાક કામ કરવું વધુ ફાયદાકારક છે. કારણ કે કોઈપણ વ્યક્તિની મહત્તમ ઉત્પાદકતા પાંચ કલાકની હોય છે. લોકો પાંચ કલાક કામ કરતા હોવાથી તેઓ તેમના કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. 

ટાવર પેડલ બોર્ડના સીઈઓ સ્ટેફન આર્સ્ટોલે પણ આ પદ્ધતિ અજમાવી છે. વર્ષ 2015માં તેણે પોતાની કંપનીમાં દરરોજ માત્ર પાંચ કલાકનું કામ નક્કી કર્યું હતું. આ પાંચ કલાક દરમિયાન કર્મચારીઓ બ્રેક પર પણ ગયા ન હતા. આ દરમિયાન તે પોતાનું કામ ફોકસ સાથે કરતો હતો. પરિણામ એ આવ્યું કે કંપનીના ટર્નઓવરમાં 50 ટકાનો વધારો થયો. જો કે, વિવિધ વ્યવસાયોના આધારે કામના કલાકો બદલાઈ શકે છે. વૈજ્ઞાનિકો માને છે કે દરરોજ કામ કરવાની મર્યાદા 6 કલાક હોવી જોઈએ. 

તેમજ વધુ કલાકો માટે કામ કરવું સ્વાસ્થ્ય માટે પણ હાનીકારક સાબિત થાય છે. 2021માં ડબલ્યુએચઓની એક રિપોર્ટ આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે 2016માં લાંબા સમય સુધી વધુ કામ કરવાના કારણે 7.45 લાખ લોકોનું મૃત્યુ થઇ ગયું હતું. ડબલ્યુએચઓ અનુસાર અઠવાડિયામાં 55 કલાક કામ કરવાથી સ્ટ્રોકનું જોખમ 35 ટકા વધી જાય છે. તેમજ હૃદયની બીમારીનું જોખમ 17 ટકા વધી જાય છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *