બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી, રોકાણકારોની સંપત્તિમાં સારો એવો વધારો થયો

મુંબઈ
આજે માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી છે. જેના કારણે બજાર લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. સતત બે દિવસના ઘટાડા પછી, ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઉત્તમ રહ્યું. રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ ફરી 64,000ના આંકને પાર કરવામાં સફળ રહ્યો હતો અને નિફ્ટી 19,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. મિડ કેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 490 પોઈન્ટના ઉછાળા સાથે 64,081 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 144 પોઈન્ટના ઉછાળા સાથે 19,133 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આમ આજે રોકાણકારોની સંપત્તિમાં સારો એવો વધારો થયો છે.
આજના કારોબારમાં તમામ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. બેન્કિંગ શેરો ઉપરાંત ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, હેલ્થકેર, ફાર્મા, ઈન્ફ્રા જેવા સેક્ટરના શેરોમાં તેજી રહી હતી. નિફ્ટીના મિડ કેપ ઈન્ડેક્સમાં 500થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ 170 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેર વધ્યા હતા અને માત્ર 2 શેરો ઘટ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 41 શૅર ઉછાળા સાથે અને 9 ઘટાડાની સાથે બંધ થયા હતા.
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. આજના વેપારમાં, બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી રૂ. 313.35 લાખ કરોડ રહી હતી, જે અગાઉના ટ્રેડિંગ સત્રમાં રૂ. 310.25 લાખ કરોડ હતી. આજના વેપારમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. 3.05 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
આજના વેપારમાં ડેલ્ટા કોર્પ 7.63 ટકા, વોડાફોન આઇડિયા 7.42 ટકા, આરઇસી 6.91 ટકા, પાવર ફાઇનાન્સ 6.38 ટકા, ભેલ 5.35 ટકા, ઇન્ડસ ટાવર 5.29 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રાના શેરો ઘટાડા સાથે બંધ થયા છે.