ગાંધીધામ
ગુજરાતની ફ્રેનાઝ છિપીયા અને ફિલઝાહ ફાતીમા કાદરીએ હાલમાં ગોવા ખાતે યોજાયેલી નેશનલ ગેમ્સની ટેબલ ટેનિસ ઇવેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે માત્ર ડબલ્સમાં મેડલ જ નિશ્ચિત કર્યો ન હતો પરંતુ સાથે સાથે રાજ્યના ટેબલ ટેનિસમાં નવો ઇતિહાસ પણ રચ્યો હતો.
સુરતની ફ્રેનાઝ અને ફિલઝાહે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં મોખરાના ક્રમની દિયા ચિતાલે અને અનન્યા બાસક (મહારાષ્ટ્ર)ને 3-2થી હરાવીને તથા ક્વાર્ટર ફાઇનલમાં હિમાની ચતુર્વેદી અને ખુશી જૈન (મધ્ય પ્રદેશ)ને 3-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આમ તેઓ વિમેન્સ ડબલ્સમાં ગુજરાતની એવી પ્રથમ જોડી બની હતી જેણે નેશનલ લેવલ પર રાજ્ય માટે મેડલ જીત્યો હોય.
સેમિફાઇનલમાં ગુજરાતની આ જોડીને પશ્ચિમ બંગાળની કૌશાની નાથ અને સાગરિકા મુખરજી સામે 0-3થી પરાજય થયો હતો પરંતુ બંને ખેલાડી સંતુષ્ટ રહી હતી કેમ કે તેમણે રાજ્ય માટે ટેબલ ટેનિસની ડબલ્સ ઇવેન્ટમાં સૌપ્રથમ મેડલ જીત્યો હતો.
“અમે જરાય દબાણ વિના રમ્યા હતા અને મેચ દીઠ જ ફોકસ કર્યું હતું તથા મેચના ડ્રો અંગે ખાસ વિચારતા ન હતા. મોખરાના ક્રમની દિયા અને અનન્યા સામેનો અમારો વિજય ખાસ હતો. તેમની સામે અમે અમારી યોજના સફળતાથી અમલી બનાવી તેનો અમને આનંદ છે.” તેમ 27 વર્ષીય ફ્રેનાઝે જણાવ્યું હતું જેણે નેશનલ ગેમ્સમાં તેનો ત્રીજો મેડલ જીત્યો હતો (2011માં રાંચી ખાતે 34મી નેસનલ ગેમ્સમાં ટીમ બ્રોન્ઝ,, કેરળમાં 35મી નેશનલ ગેમ્સમાં દેવેશ કારિયા સાથે મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ).
પોતાનો પ્રથમ નેશનલ ગેમ્સ મેડલ જીતનારી ફિલઝાહ ફાતીમા કાદરીએ તેની સિનિયર જોડીદારની પ્રશંસા કરી હતી. “અમે અમારી તમામ મેચમાં શાંત રહ્યા હતા અને અમારા હરીફને નેગેટિવ પોઇન્ટ આપવાથી દૂર રહ્યા હતા.” તેમ 20 વર્ષીય ખેલાડીએ જણાવ્યું હતું.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેલાડીઓ અને સ્ટેટ એસોસિયેશનની આકરી મહેનત રંગ લાવી છે. આજે ફ્રેનાઝ અને ફિલઝાહ એવી સિદ્ધિ હાંસલ કરી છે જે અગાઉ રાજ્યમાં કોઈએ હાંસલ કરી ન હતી. અમે વર્ષોની મહેનત અને પ્રતિબદ્ધતાનું ફળ હાંસલ કરી રહ્યા છીએ.” તેમ તેમણે જણાવ્યું હતું.
સ્ટેટ એસોસિયેશનના સેક્રેટરી શ્રી કુશલ સંગતાણીએ જણાવ્યું હતું કે “અમારા ખેલાડીઓ પ્રત્યે મને ગૌરવ છે અને આનંદ છે કે ગુજરાતના કુલ મેડલની યાદીમાં ટેબલ ટેનિસે યોગદાન આપ્યું છે.”