મુંબઈ
મુંબઈ શહેર નવેમ્બર 1, 2023ના રોજ નવી શિક્ષણ સંસ્થા નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલ (NMAJS)ના ઉદ્દઘાટનનું સાક્ષી બન્યું હતું. આ સંસ્થા શિક્ષણ અને પ્રશિક્ષણના અભિગમોને પુનઃવ્યાખ્યાયિત કરશે. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DAIS) કેમ્પસની બાજુમાં આવેલી આ નવી સ્કૂલની કલ્પના અને ડિઝાઇન અત્યાધુનિક કેમ્પસ તરીકે વિદ્યાર્થીઓને શીખવાની મોકળાશ આપવા સાથે નાના-મોટા જૂથો બનાવી સાથે મળીને કામ કરવા અને તેમને પર વ્યક્તિગત રીતે સૂચનાઓ આપવા પર ભાર મૂકવાની રીતે તૈયાર કરવામાં આવી છે.
શ્રીમતી નીતા અંબાણીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2003માં સ્થપાયેલી DAISની શ્રેષ્ઠતાની સફરને આગળ વધારવા માટે NMAJS તૈયાર છે. દિલથી શિક્ષક અને અસાધારણ ધગશ તથા પ્રતિબદ્ધતા ધરાવતા શિક્ષણશાસ્ત્રી એવા સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણી માત્ર 20 વર્ષમાં DAISને વિશ્વની શ્રેષ્ઠ શાળાઓની શ્રેણીમાં લઈ ગયા છે. આજે DAIS ભારતની પ્રથમ નંબરની આંતરરાષ્ટ્રીય શાળા છે અને વિશ્વની ટોચની 20 ઇન્ટરનેશનલ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં સ્થાન પામે છે.
આ પ્રસંગે બોલતા સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે હંમેશા ઈચ્છતા હતા કે DAIS એક એવી શાળા બને જ્યાં અધ્યાપનમાં ખુશી અને અધ્યયનમાં આનંદ મળે. ભૂતકાળમાં નજર કરીએ તો વિનમ્રતા સાથે એ અહેસાસ થાય છે કે માત્ર બે દાયકામાં હજારો બાળકો અને તેમના પરિવારોના જીવનમાં પરિવર્તન લાવી શક્યા છીએ. અને તે કૃતજ્ઞતા અને આશાવાદની ભાવના સાથે અમે ભવિષ્ય તરફ દૃષ્ટિ કરી રહ્યા છીએ કારણ કે શ્રેષ્ઠતાની આ પરંપરાના માર્ગે ભાવિનું નિર્માણ કરવા માટે નવી પેઢી મજબૂત પ્રતિબદ્ધતા સાથે નેતૃત્વ લઈ રહી છે. મને આ નવું શિક્ષણ મંદિર – NMAJS – મુંબઈ શહેર અને સમગ્ર રાષ્ટ્રને સમર્પિત કરવાનું ગૌરવ છે.”
વાઇસચેરપર્સન અને ભવિષ્યને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ શાળાના વિઝન અને વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવનારા સુશ્રી ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે, મારા માતા અને મારા આદર્શે મન, હૃદય અને આત્માથી ભારતીયતા સાથે DAISની આંતરરાષ્ટ્રીય શાળા તરીકે કલ્પના કરી હતી, અને તેણે આજે ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અકલ્પનીય રીતે પરિવર્તન કર્યું છે. અમે NMAJSનું નિર્માણ DAISના પાયાના સિધ્ધાંતો અને અનોખી તાકાત સાથે બાળકોને 21મી સદીના કૌશલ્યથી સુસજ્જ બનાવવાના ધ્યેયને હાંસલ કરવા સાથે કર્યું છે.
નવી NMAJSની વાસ્તુપૂજા પરિવાર, મિત્રો, શુભેચ્છકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં શ્રીમતી નીતા અંબાણીના જન્મદિવસના શુભ પ્રસંગે કરવામાં આવ્યું હતું.
NMAJS કેમ્પસની ડિઝાઈન વિશ્વ વિખ્યાત આર્કિટેક્ટ્સ પર્કિન્સ એન્ડ વિલ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ અનેક અત્યાધુનિક કેમ્પસ બનાવવાનો ટ્રેક રેકોર્ડ ધરાવતી સંસ્થા લેઈટન દ્વારા કરવામાં આવ્યું છે. NMAJS એક સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય શાળા હશે, જે આઇબી પ્રાયમરી યર્સ પ્રોગ્રામ (પી.વાય.પી.) અને મિડલ યર પ્રોગ્રામ (એમ.વાય.પી.) અભ્યાસક્રમ ઓફર કરે છે.
શિક્ષકોની યોગ્યતા અને પ્રતિબદ્ધતા કોઈપણ શાળાના ભવિષ્યને ઘડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, અને NMAJS તેના વિઝનને અનુરૂપ શિક્ષણ પ્રદાન કરવા માટે વિશ્વભરની શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવામાં સક્ષમ છે. એક શૈક્ષણિક સંસ્થાનું મિશન ત્યારે પરિપૂર્ણ થાય છે જ્યારે પેરન્ટ કમ્યુનિટી તેની ફિલસૂફી અને વ્યવહારને પૂરા દિલથી સમર્થન આપે છે, અને NMAJS હંમેશા તેમનું અતૂટ સમર્થન મેળવવા માટે ભાગ્યશાળી છે.
NMAJS 21મી સદી માટે જરૂરી કૌશલ્યો અને મૂલ્યો સાથે ભાવિ પેઢીને તૈયાર કરવાની પ્રતિબદ્ધતા સાથે એક બાળ-મૈત્રીપૂર્ણ સંસ્થા તરીકે પોતાને વિકસિત કરવાની કલ્પના કરે છે.