વર્લ્ડ યુનિફોર્મ બજાર 2030માં તે 25 અબજ ડોલરે પહોંચવાની ધારણા છે
દેશમાં યુનિફોર્મ ઉદ્યોગમાં મોટી વૃદ્ધિ થાય અને મહારાષ્ટ્રમાં સોલાપુર તેનું કેન્દ્ર બને તેવાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સપનાંને સાકાર કરવા માટે સોલાપુર ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન (એસજીએમએ) દ્વારા તેનું વાર્ષિક પ્રદર્શન આ વખતે વડા પ્રધાનના પોતાના સંસદીય મતવિસ્તાર અને ભરપૂર વૃદ્ધિની સંભાવના ધરાવતા વારાણસીમાં લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં 10,000થી વધુ યુનિફોર્મની ડિઝાઈન અને 20,000થી વધુ યુનિફોર્મ ફેબ્રિક્સની ડિઝાઈન સાથે 200 અગ્રણી બ્રાન્ડ્સ આકર્ષાય એવું લક્ષ્ય છે.
એસજીએમએ દ્વારા આ 7મું યુનિફોર્મ પ્રદર્શન છે, જે 16-18 ડિસેમ્બરે વારાણસીના શ્રી કાશી વારાણસી દિનદયાલ હેન્ડિક્રાફ્ટ કોમ્પ્લેક્સમાં યોજાશે. નવ વર્ષ પૂર્વે સન્માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોથી પ્રેરિત આ પ્રદર્શનને નવી ઊંચાઈએ લઈ જવા માટે આ વખતે તેમના મતવિસ્તારમાં યોજવાનો નિર્ણય લેવાયો છે. એસજીએમએના સતીશ પવારને પ્રદર્શનના અધ્યક્ષ અને પ્રકાશ પવારને સચિવ તરીકે નીમવામાં આવ્યા છે.
2020માં વર્લ્ડ યુનિફોર્મ બજાર 6.2 અબજ ડોલર હતી, જે 2021માં 8.4 અબજ ડોલરે પહોંચી અને 2030માં તે 25 અબજ ડોલરે પહોંચવાની ધારણા છે, એમ પ્રકાશ પવારે જણાવ્યું હતું. ટેક્સટાઈલ ઉદ્યોગમાં ભરપૂર સંભાવના સાથે દેશના સૌથી વિશાળ રાજ્ય ઉત્તર પ્રદેશના વારાણસીમાં પહેલી જ વાર આ પ્રદર્શન યોજાઈ રહ્યું છે, જેમાં 200થી વધુ બ્રાન્ડ્સ એક છત હેઠળ આવવાની ધારણા છે. આમાં મફતલાલ, વાલજી, ક્યુમેક્સ, સંગમ, સ્પર્શનો સમાવેશ રહેશે. ઉપરાંત ટાઈ, કમરપટ્ટા, સ્કૂલ શૂઝ, મોજાં, બેગ, બ્લેઝર અને ગારમેન્ટ સંબંધી યંત્રોની પ્રોડક્ટો પણ પ્રદર્શિત કરાશે.
સોલાપુરના ગારમેન્ટના ઉત્પાદકોની વિશિષ્ટતા એ છે કે તેઓ જથ્થાબંધ યુનિફોર્મના ઓર્ડર સમય પૂર્વે પુરવઠો કરે છે, તેઓ જથ્થાબંધ ઓર્ડર પૂર્ણ કર્યા પછી નાની માત્રામાં ઓર્ડર આપનાર ખરીદદારોની વિનંતી પણ પૂરી કરે છે. આથી જ દક્ષિણ ભારતીય રિટેઈલરો પણ સોલાપુરમાં રસ ધરાવે છે. વારાણસી ઉત્તર પ્રદેશના કેન્દ્રમાં છે અને બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવાં અન્ય રાજ્ય અને શહેર સાથે ઉત્તમ જોડાણ ધરાવે છે. આથી જ અહીં પ્રદર્શન યોજવાનું નક્કી કરાયું છે. આ શહેર નજીકના ભવિષ્યમાં ઔદ્યોગિક વૃદ્ધિ માટે ઊજળી સંભાવના ધરાવે છે.