ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ માટે મોદી-શાહ અમદાવાદ આવશે

Spread the love

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ મોકલાયું છે


અમદાવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ મેચનો મુકાબલો થવાનો છે. આ રોમાંચક મહામુકાબલો જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અમદાવાદ આવવાના છે, ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ મોકલાયું છે. જોકે બંને નેતાઓના કન્ફર્મેશનની રાહ જોવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલ મેચ રમવા મેદાનમાં ઉતરશે, જ્યારે ટીમ ઈન્ડિયા ચોથી વખત વર્લ્ડકપની ફાઈનલ રમશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેચ નિહાળવા અમદાવાદમાં આવવાના છે, ત્યારે આ માટે ભારે સુરક્ષા બંદોબસ્તની પણ તૈયારીઓનો આરંભ કરી દેવાયો છે. વડાપ્રધાન 19 નવેમ્બરે બપોર બાદ અમદાવાદ આવશે. મેચ નિહાળ્યા બાદ તેઓ ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ તેઓ 20 નવેમ્બરે સવારે રાજસ્થાન ચૂંટણી પ્રચાર માટે રવાના થશે.
આ મેચ રોમાંચક રહેવાનું મુખ્ય કારણ છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ બાદ ફરી વન-ડે વર્લ્ડકપની ફાઈનલમાં મહામુકાબલો થશે. અગાઉ બંને દેશો વચ્ચે 2003માં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમની 125 રને હાર થઈ હતી.
આ અગાઉ પ્રથમ સેમિફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રને હાર આપી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી હતી. ભારતે 50 ઓવરમાં 397 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 327 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતના ખતરનાક બોલર મોહમ્મદ શમીએ 9.5 ઓવરમાં 57 રન આપી 7 વિકેટ ઝડપી હતી. તો ગઈકાલે રમાયેલી બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. હવે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મી નવેમ્બરે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *