રાજ્યસભામાં દોઢકલાકનો લંચબ્રેક રખાતો હતો જેમાં નમાજના સમયનો સમાવેશ થતો હતો જે ઘટાડી દેવાતા નિર્ણય સામે સવાલ ઊઠ્યા

નવી દિલ્હી
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે એક મોટો નિર્ણય કરતાં રાજ્યસભામાં પણ દર શુક્રવારે લંચ બ્રેકનો સમય લોકસભાની જેમ સરખો કરી દીધો છે. એટલે કે લોકસભામાં લંચ બ્રેકનો સમય બપોરે 1:00 થી 2:00 વાગ્યા સુધી હોય છે જેથી હવે રાજ્યસભામાં પણ લંચ બ્રેકનો સમય બપોરે 1:00 થી 2:00 વાગ્યા સુધીનો જ કરી દેવામાં આવ્યો છે. જોકે આ નિર્ણયને લઈને સવાલો ઊઠવા લાગ્યા છે.
માહિતી અનુસાર અગાઉ રાજ્યસભામાં લંચ બ્રેક માટે દર શુક્રવારે બપોરે 1:00 થી 2:30 વાગ્યા સુધીનો સમય મળતો હતો. જેમાં અડધા કલાકનો વધુ સમય નમાઝ પઢવા માટે રખાતો હતો. હવે ઉપરાષ્ટ્રપતિ ધનખડે નિયમોમાં ફેરફાર કરીને શુક્રવારે લંચ બ્રેકનો સમય ઘટાડીને માત્ર એક કલાકનો કરી દેતાં સવાલો ઊઠવા લાગ્યા છે.
માહિતી અનુસાર 8 ડિસેમ્બર એટલે કે શુક્રવારે રાજ્યસભામાં શુક્રવારે લંચ પછી જ્યારે ગૃહની બેઠક બપોરે 2 વાગ્યે ફરી શરૂ થઈ ત્યારે ડીએમકેના સાંસદ તિરુચી શિવાએ આ મુદ્દો ઉઠાવ્યો, તેમણે કહ્યું કે દર શુક્રવારે ગૃહની બેઠક બપોરે 2.30 વાગ્યે શરૂ થતી હતી. આ વખતે 2 વાગ્યે શરૂ કરાઈ, તેનો સમય ક્યારે બદલાયો, આ ફેરફાર કેમ થયો તેની સભ્યોને કોઈ જાણકારી અપાઈ નથી. તેના પર રાજ્યસભાના અધ્યક્ષ ધનખડે જવાબ આપ્યો કે આ ફેરફાર આજથી નથી, આ ફેરફાર તેઓ ઘણા સમય પહેલાથી કરી ચુક્યા છે, તેમણે કારણ આપતાં કહ્યું કે લોકસભાની કામગીરી 2 વાગ્યાથી શરૂ થાય છે, બંને લોકસભા અને રાજ્યસભા સંસદનો હિસ્સો છે, કામકાજના સમયમાં સમાનતા હોવી જોઈએ, તેથી તેઓએ આ અંગે પહેલાથી જ નિયમો બનાવ્યા હતા.