ઈંગ્લેન્ડ માટે ટી20માં 100 વિકેટ લેનારો આદિલ રશિદ પ્રથમ બોલર

Spread the love

વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20આઈ મેચમાં આદિલ રશીદે 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી

લંડન

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્પિનર આદિલ રશીદે ટી20આઈમાં ઈતિહાસ રચી દીધો છે. વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટી20આઈમાં ઇંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સ્પિનર આદિલ રશીદે એક મોટી સિદ્ધિ મેળવી હતી. આદિલ રશીદ ઇંગ્લેન્ડ તરફથી ટી20આઈમાં 100 વિકેટ મેળવનાર પહેલો બોલર બની ગયો છે. રશીદે આ કારનામું તેની 100મી ટી20આઈ મેચમાં કરી બતાવ્યું હતું.

વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20આઈ મેચમાં આદિલ રશીદે 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે તેના ટી20આઈ કરિયરમાં 100 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. આદિલ પહેલા કોઈપણ ઈંગ્લીશ બોલરે ટી20આઈમાં 100 વિકેટ લીધી નથી. ટી20આઈમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ટિમ સાઉથીના નામે છે. સાઉદીએ ટી20આઈમાં 144 વિકેટ લીધી છે. અત્યાર સુધી 6 સ્પિન બોલરો ટી20આઈ ક્રિકેટમાં 100થી વધુ વિકેટ લેવામાં સફળ થયા છે. જેમાં શાકિબ અલ હસને 140 વિકેટ, રાશિદ ખાને 130 વિકેટ, શાદાબ ખાને 104 વિકેટ, મિચેલ સેન્ટનરે 100 વિકેટ અને હવે આદિલ રશીદે ટી20આઈમાં 100 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. 

ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરતા 19.3 ઓવરમાં 171 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે 18.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી આન્દ્રે રસલે ઘાતક બોલિંગ કરી હતી. તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. તે પછી બેટિંગમાં પણ રસલે પોતાનો દમ બતાવ્યો હતો. તેણે 14 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 29 રન બનાવીને પોતાની ટીમને વિજય બનાવી હતી. રસલને તેના આ શાનદાર પ્રદર્શનના લીધે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *