મહારાષ્ટ્રમાં નશામાં ધૂત નબીરાએ ગર્લફ્રેન્ડને કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો

Spread the love

અધિકારીના પુત્રએ તેના મિત્રો સાથે મળીને ગર્લફ્રેન્ડનું અપમાન કરી માર માર્યો અને પછી નીચે પછાડી કારથી કચડવાનો પ્રયાસ કર્યો હોવાનો યુવતીનો આરોપ


મુંબઈ
દેશમાં નબીરાઓને પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ જાણે બેફામ બન્યા છે. મહારાષ્ટ્રમાં એક અધિકારીના નશામાં ધૂત નબીરાએ પોતાની ગર્લફ્રેન્ડને કારથી જોરદાર ટક્કર મારીને કચડવાનો પ્રયાસ કર્યો હતો.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)ના એમડીના પુત્ર અશ્વજીત ગાયકવાડ પર તેની ગર્લફ્રેન્ડ પ્રિયા સિંહે કારથી કચડીને મારી નાખવાનો આરોપ લગાવ્યો છે. પ્રિયાએ સોશ્યલ મીડિયામાં તેની સાથે બનેલી ઘટના વર્ણવી હતી જેમાં તેના બોયફ્રેન્ડ અશ્વજીત ગાયકવાડે તેના મિત્રો સાથે મળીને પહેલા મારું અપમાન કરવાનું શરુ કર્યું હતું અને બાદમાં તેણે મને થપ્પડ મારી અને મારુ ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ મારા વાળ પકડીને મને જમીન પર પછાડીને તે તેના મિત્રો સાથે કારમાં બેસી ગયો હતો અને તેણે મને તેની કારથી જોરદાર ટક્કર મારી હતી અને મને ઈજાગ્રસ્ત હાલતમાં જ ત્યાં મૂકીને ફરાર થઈ ગયા હતા.
પ્રિયા સિંહે તેના સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તેના હાથ, ખભા, પગમાં ઈજાઓ છે અને તેણે કેપ્શનમાં લખ્યુ હતું કે મને ન્યાય જોઈએ છે. હાલ પ્રિયા સિંહ ઈન્ફિનિટી મેડિસર્જ સેન્ટર હોસ્પિટલમાં દાખલ છે. પ્રિયાના કહેવા પ્રમાણે થાણેમાં રહેનાર અશ્વજીત ગાયકવાડ સાથે તે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધમાં હતી અને થોડાક દિવસો પહેલા જ તેને જાણ થઈ હતી કે તેનો બોયફ્રેન્ડ અશ્વજીત પરિણિત છે તેમ છતાં પણ તેમના સંબંધ રાખ્યો હતો. પ્રિયાએ પોતાના પર થયેલા જીવલેણ હુમલા અંગે કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ મોટા વ્યક્તિના દબાણને કારણે તેની ફરિયાદ નોંધવામાં આવી ન હતી. ઉલ્લેખનીય છે કે અશ્વજીત ગાયકવાડના પિતાના ઘણા મોટા નેતાઓ સાથે ઉંડા સંબંધો છે જેને કારણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આનાકાની કરી રહી હતી. જો કે પ્રિયાએ સોશ્યલ મીડિયામાં તેની સાથે બનેલી ઘટનાની વિગત શેર કરતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને અશ્વજીત અને તેના ત્રણ મિત્રો સામે ફરિયાદ નોંધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *