અમલનેરામાં દીવાલ પર એક સમુદાયના કેટલાક બાળકો પેશાબ કરી રહ્યા હતા, જેનો બીજા પક્ષના લોકોએ વિરોધ કરતા મામલો બિચક્યો
જલગાંવ
મહારાષ્ટ્રના જલગાંવના અમલનેરામાં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. મારામારી અને પથ્થરમારાની ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી પરંતુ ઉપદ્રવીઓ વધુ ઉગ્ર બની ગયા હતા. તેઓએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસની અનેક ટીમો શહેરના માર્ગો પર પેટ્રોલિંગ કરી રહી છે. એડીજી સૂત્રોના જણાવ્યા પ્રમાણે હિંસામાં 4 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સામાન્ય વિવાદમાં હિંસા શરૂ થઈ હતી. અમલનેરામાં દીવાલ પર એક સમુદાયના કેટલાક બાળકો પેશાબ કરી રહ્યા હતા. જેનો બીજા પક્ષના લોકોએ વિરોધ કર્યો વ્યક્ત કર્યો હતો. શરૂઆતમાં તો મામુલી દલીલ થઈ પરંતુ જોત-જોતામાં બંને પક્ષોના લોકો મારપીટ પર ઉતરી આવ્યા. મારપીટની ઘટના શુક્રવારે લગભગ 10 વાગ્યે બની હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસે અમલનેરા શહેરથી 34 લોકોને કસ્ટડીમાં લીધા છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આગામી બે દિવસ સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના જિંજર ગલી અને સરાફ બજારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ ભ્રામક સમાચાર પર ધ્યાન ન આપે. જો કોઈ વ્યક્તિ અફવા ફેલાવવાનો પ્રયાસ કરે તો તરત જ પોલીસને જાણ કરો. પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે.