આઈટી મિનિસ્ટ્રીને સ્થાનિક મની લોન્ડરિંગ કાયદાનું પાલન કર્યા વિના દેશમાં ગેરકાયદે રીતે ચાલતા આ પ્લેટફોર્મના યુઆરએલ બ્લોક કરવા કહેવાયું

નવી દિલ્હી
ભારતીય નાણા મંત્રાલય એ ક્રિપ્ટો એક્સચેન્જ ઓપરેટર બિનાન્સ સહિત 9 ઓફશોર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સર્વિસ પ્રોવાઈડર્સને શૉ કોઝ નોટિસ ફટકારી છે. આ ઉપરાંત આઈટી મિનિસ્ટ્રીને પણ કહ્યું છે કે સ્થાનિક મની લોન્ડરિંગ કાયદાનું પાલન કર્યા વિના દેશમાં ગેરકાયદે રીતે ચાલતા આ પ્લેટફોર્મના યુઆરએલ (યુઆરએલ) બ્લોક કરી દેવામાં આવે.
કુલ 9 ક્રિપ્ટો એક્સચેન્જને આ નોટિસ મોકલવામાં આવી છે જેમાં બિનાન્સ, ક્યુકોઈન, હ્યુઓબી, ક્રકેન, ગેટ.આઈઓ, બિટ્રેક્સ, બિટસ્ટેમ્પ, એમઈએક્સસી ગ્લોબલ અને બિટફ્નિક્સનો સમાવેશ થાય છે. 28 ડિસેમ્બરે એક નિવેદનમાં નાણા મંત્રાલયે કહ્યું કે ઓફશોર અને ઓનશોર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સર્વિસ પ્રોવાઈડર ભારતમાં કામ કરી રહ્યા છે અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ તથા ફિયાટ કરન્સી વચ્ચે આપ-લે, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ કે ઈન્સ્ટ્રુમેન્ટના હસ્તાંતરણ તથા વહીવટ સહિતની પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ તમામ પ્લેટફોર્મ્સ માટે ફાયનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ- ઈન્ડિયા સાથે રજિસ્ટ્રેશન કરાવવું અને પ્રિવેનશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002ની જોગવાઇઓનું પાલન કરવું ફરજિયાત થઇ જશે.
ફાયનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ- ઈન્ડિયા એક રાષ્ટ્રીય એજન્સી છે જે કાયદાનું અમલ કરાવતી એજન્સીઓ અને તેના વિદેશી સમકક્ષોને શંકાસ્પદ નાણાકીય હેરફેર સંબંધિત માહિતી પૂરી પાડવા, તેનું વિશ્લેષણ કરવામાં અને તેને શેર કરવા માટેની જવાબદારી ધરાવે છે.