આંધ્રના મુખ્યમંત્રીના બહેન શર્મિલાનો પક્ષ કોંગ્રેસમાં જોડાશે

Spread the love

49 વર્ષીય વાયએસ શર્મિલા તેલંગાણામાં સક્રિય વાયએસઆરતેલંગાણા પાર્ટીના સ્થાપક અને પ્રમુખ છે

હૈદ્રાબાદ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના બહેન અને વાયએસઆરટીપીના પાર્ટી પ્રમુખ વાયએસ શર્મિલા ટૂંક સમયમાં જ પોતાની પાર્ટીને કોંગ્રેસ સાથે જોડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર કોંગ્રેસ વાયએસ શર્મિલાને લોકસભાની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા આપી શકે છે. કોંગ્રેસને પહેલા કર્ણાટકમાં અને ત્યારબાદ તેલંગાના વિધાનસભામાં મળેલી જીત બાદ આ  વિલીનીકરણ પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જાણીએ કોણ છે વાયએસ શર્મિલા? તેમની રાજકીય સફર કેવી રહી? શા માટે શર્મિલા પોતાની પાર્ટીને કોંગ્રેસમાં મર્જ કરી રહી છે? આ નિર્ણયથી કોંગ્રેસને શું મળશે?

49 વર્ષીય વાયએસ શર્મિલા તેલંગાણામાં સક્રિય વાયએસઆરતેલંગાણા પાર્ટીના સ્થાપક અને પ્રમુખ છે. શર્મિલાનો જન્મ હૈદરાબાદના પુલીવેન્દુલામાં વાયએસ રાજશેખર રેડ્ડી અને વિજયમ્માને ત્યાં થયો હતો. તેમનો ઉછેર રાજકીય વાતાવરણમાં થયો હતો. શર્મિલાના પિતા વાયએસ રાજશેખર રેડ્ડીઅવિભાજિત આંધ્રના મુખ્ય પ્રધાન હતા, જ્યારે તેમના પુત્ર અને શર્મિલાના મોટા ભાઈ જગન મોહન આંધ્ર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે. શર્મિલા ખ્રિસ્તી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. વાસ્તવમાં, તેમના પતિ એમ. અનિલ કુમાર માત્ર એક વેપારી જ નથી, પણ એક ખ્રિસ્તી ધર્મ પ્રચારક પણ છે. બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો પણ છે.

શર્મિલા મુશ્કેલ સંજોગોમાં રાજકારણ સાથે જોડાયા. મે 2012માં તેમના મોટા ભાઈ જગન મોહન રેડ્ડીની સીબીઆઈ દ્વારા કોભાંડના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.  તે સમયે આંધ્ર પ્રદેશમાં 18 વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની હતી. જેથી શર્મિલાએ તેમના માતા વાયએસ વિજયમ્મા સાથે વાયએસઆરકોંગ્રેસ પાર્ટીના પ્રચારની જવાબદારી સાંભળી હતી. જેમાં વાયએસઆરસીપીએ 18 માંથી 15 સીટ અને એકમાત્ર લોકસભા સીટ પર જીત મેળવી હતી. 

એપ્રિલ 2019ની આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા, શર્મિલા ફરી એકવાર તત્કાલિન મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ પ્રચાર કરીને ચર્ચામાં આવી. આ વખતે તેણે ‘બાય બાય બાબુ’ ટાઈમર ઘડિયાળ સાથે બસોમાં આંધ્રપ્રદેશમાં 11 દિવસનો બસ પ્રવાસ કર્યો. ‘પ્રજા થેરપુ – બાય બાય બાબુ’ અભિયાનમાં, શર્મિલાએ 1,553 કિમીની મુસાફરી કરી અને જાહેર સમર્થન મેળવ્યું. ભાઈ જગન સાથે કરેલી આ મહેનતનું ફળ પણ મળ્યું અને 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સત્તા પર આવી.

ફેબ્રુઆરી 2021 માં, શર્મિલાએ જણવ્યું કે તેને પોતાના ભાઈ જગન મોહન રેડ્ડી સાથે રાજકીય મતભેદ છે અનર પાર્ટીનો કોઈ આધાર ન હોવાનો આરોપ લગાવ્યો. આ સાથે, એપ્રિલ 2021માં શર્મિલાએ જાહેરાત કરી હતી કે તે તેલંગાણામાં એક નવો રાજકીય પક્ષ શરૂ કરશે. 8 જુલાઈ, 2021 ના ​​રોજ, તેના પિતા રાજશેખર રેડ્ડીની જન્મજયંતિ પર, શર્મિલાએ વાયએસઆરતેલંગાણાના નામથી એક નવી પાર્ટી શરૂ કરી. શર્મિલાની નવી પાર્ટી રચનાના એક વર્ષ બાદ તેમની માતા વાયએસ વિજયમ્માએ તેમના પુત્રની પાર્ટી વાયએસઆરસીમાંથી રાજીનામું આપીને શર્મિલાના પક્ષને સમર્થન આપવાની જાહેરાત કરી.

તાજેતરમાં પુરી થયેલી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી દરમિયાન, એવી અટકળો ચાલી રહી હતી કે શર્મિલા કાં તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે અથવા પાર્ટીને કોંગ્રેસમાં મર્જ કરશે. જો કે, શર્મિલાએ જાહેરાત કરી કે તેમની પાર્ટી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી લડશે નહીં અને એક રીતે ચૂંટણીમાં કોંગ્રેસને મૌન સમર્થન આપ્યું. અગાઉ સપ્ટેમ્બર 2023માં શર્મિલાએ કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી અને પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

આખરે વર્ષની શરૂઆતમાં શર્મિલાએ પાર્ટીને કોંગ્રેસમાં મર્જ કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન, વાયએસ શર્મિલા બુધવારે દિલ્હી હતા અને ઔપચારિક જાહેરાત પહેલા શર્મિલા કોંગ્રેસના ટોચના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળશે. પડોશી રાજ્ય તેલંગાણામાં કોંગ્રેસની જીત બાદ આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. શર્મિલાના કોંગ્રેસમાં વિલયથી આ વર્ષની આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બની જશે, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે શર્મિલાને દક્ષિણના રાજ્યોના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *