આશરે રૂ. ૨,૦૦૦ કરોડ જેટલી રકમ સીધી રીતે બાંગ્લાદેશ અથવા દુબઈ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની આશંકા
નવી દિલ્હી
કેન્દ્રીય એજન્સી ઈડીએ પશ્ચિમ બંગાળમાં કથિત અનાજ વિતરણ કૌભાંડને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં. ઈડીના મતે, રાજ્યના પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. કેન્દ્રીય એજન્સીએ દાવો કર્યો છે કે, અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં રૂ. ૯,૦૦૦ થી ૧૦,૦૦૦ કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. આ સાથે જ આશરે રૂ. ૨,૦૦૦ કરોડ જેટલી રકમ સીધી રીતે બાંગ્લાદેશ અથવા દુબઈ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની આશંકા છે.
કેન્દ્રીય એજન્સીએ પશ્ચિમ બંગાળની પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતાં. તેમણે કહ્યું કે, ઈડીની ટીમ પર કરવામાં આવેલા હુમલાને લગતા કેસની એફઆઈઆરની કોપી તેમને સોંપવામાં આવી નથી.
ઈડીએ વધુમાં ઉમેર્યું હતું કે, પશ્ચિમ બંગાળ પોલીસે રૂપિયા ૧૦,૦૦૦ કરોડના કથિત કૌભાંડને દબાવવાના પ્રયાસો કર્યા હતાં અને તેમના દ્વારા આરોપીઓ સામે જામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના નેતા શંકર આધ્યાને ૧૪ દિવસની ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આધ્યા અને તેના પરિવારના સભ્યો સાથે જોડાયેલી મિલકતો પર સર્ચ ઓપરેશન બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ ઈડીએ ભારપૂર્વક જણાવ્યું કે, અનાજ વિતરણ કૌભાંડમાં ઓછામાં ઓછા રૂ. ૧૦,૦૦૦ કરોેડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
આ કેસમાં શંકર આધ્યાની સંડોવણીની માહિતી પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ બાદ સામે આવી હતી.
કોર્ટને માહિતી આપતા ઈડીએ જણાવ્યું હતું કે, આધ્યા સાથે જોડાયેલી ૯૦ જેટલી ફોરેન એક્ચેન્જ કંપનીઓની ઓળખ કરી લેવામાં આવી છે. મુખ્યત્વે સરહદી વિસ્તારોમાં આવેલી આ કંપનીઓ દ્વારા અંદાજે રૂ. ૨૦૦૦ કરોડ વિદેશ મોકલવામાં આવ્યા હતાં. ઈડીએ રાષ્ટ્વિરોધી પ્રવૃતિઓની આશંકા વ્યકત કરી હતી.