મને જે 4 નોટિસ મોકલાઈ હતી, તે કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર છે. ઈડીએ જ્યારે પણ આવી જનરલ નોટિસો મોકલી, તેને કોર્ટે રદ કરી છેઃ દિલ્હીના મુખ્યમંત્રી
નવી દિલ્હી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સમન્સની સતત ચોથી વખત અવગણ કરી ઈડી અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું, ‘હું લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી શકું, તેથી તેમનો હેતુ મારી ધરપકડ કરવાનો જ છે. આવું રાજકીય કાવતરા હેઠળ કરવામાં આવી રહ્યું છે.’ કેજરીવાલે એવો પણ આરોપ લગાવ્યો છે કે, એજન્સી આરોપીઓ સાથે મારપીટ કરી ખોટા નિવેદનો કરાવી રહી છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે, ભાજપ ઈડીને ચલાવી રહ્યો છે.
કેન્દ્રીય એજન્સી ઈડીએ કેજરીવાલને ચોથા સમન્સ પાઠવી 18 અથવા 19 જાન્યુઆરીએ બોલાવ્યા હતા, જે અંગે કેજરીવાલે કહ્યું કે, ‘મને જે 4 નોટિસ મોકલાઈ હતી, તે કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર છે. ઈડીએ જ્યારે પણ આવી જનરલ નોટિસો મોકલી, તેને કોર્ટે રદ કરી છે. આ નોટિસ ગેરકાયદે કેમ છે, તે અંગે મેં ઈડીને લખીને મોકલ્યું છે, પરંતુ તેનો જવાબ અપાયો નથી.
કેજરીવાલે વધુમાં કહ્યું, ‘રાજકીય ષડયંત્ર હેઠળ નોટિસ મોકલવામાં આવી રહી છે. આ તપાસ બે વર્ષથી ચાલી રહી છે. બે વર્ષથી કશું જ મળ્યું નથી. આ અંગે ઘણા કોર્ટે વારંવાર પુછી ચુકી છે કે, કેટલાક નાણાંની રિકવરી થઈ? કોઈ સોનું મળ્યું? કોઈ જમીન અથવા ડોક્યુમેન્ટ મળ્યા? ક્યાંય કશું મળ્યું નહીં. ખોટા-સાચા આરોપો, લોકોને માર મારીને ખોટા-સાચા નિવેદનો લેવામાં આવી રહ્યા છે.’
તેમણે કહ્યું, ‘બે વર્ષથી તપાસ ચાલી રહી છે, લોકસભા ચૂંટણીના બે મહિના પહેલા અચાનક મને નોટિસ મોકલી કેમ બોલાવાયો? ભાજપવાળાઓ ચારેતરફ ફરીને કહી રહ્યા છે કે, કેજરીવાલની ધરપકડ કરીશું. ભાજપવાળાને કેવી રીતે જાણ થઈ કે, મારી ધરપકડ કરશે. ભાજપ ઈડી ચલાવી રહ્યું છે. ચૂંટણી પહેલા મારી હાલ ધરપકડ કેમ કરાશે? કારણ કે તેઓ ઈચ્છતા નથી કે હું પ્રચાર કરું. સમન્સ અને તમામ કવાયતનો હેતુ છે કે, લોકસભા ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ કરી તેમને પ્રચારથી રોકો, મેં આજે જવાબ આપ્યો, આગળ જોઈએ, શું થાય છે.’