કેનેડાની ચૂંટણીઓમાં ભારતે હસ્તક્ષેપ કર્યાનો ટ્રૂડો સરકારનો આક્ષેપ

Spread the love

કેનેડાના એક સેન્ટ્રલ કમિશને આ મામલાની 29 જાન્યુઆરીથી તપાસ શરુ કરવાનુ નક્કી કર્યુ છે અને 3 મે સુધીમાં તેનો અહેવાલ સુપરત કરશે


ઓટાવા
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારનુ ભારત વિરોધી વલણ યથાવત છે.
પહેલા ભારત પર કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યા બાદ હવે ટ્રુડો સરકારે ભારત પર કેનેડાની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરવાનો હાસ્યાસ્પદ આરોપ મુકયો છે.
કેનેડાના એક સેન્ટ્રલ કમિશને આ મામલાની 29 જાન્યુઆરીથી તપાસ શરુ કરવાનુ નક્કી કર્યુ છે અને 3 મે સુધીમાં તે કેનેડાની સરકારને આ અંગેનો વચગાળાનો અહેવાલ સુપરત કરશે. જ્યારે ફાઈનલ રિપોર્ટ આ વર્ષના અંત સુધીમાં આવે તેવી આશા છે.
આ વિવાદની શરુઆત તો ચીન પર લાગેલા આરોપોથી થઈ હતી. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે, કેનેડાની સંસદની ગત ચૂંટણીમાં ચીન દ્વારા ટ્રુડો સરકાર માટે સહાનુભૂતિ ધરાવતા ઉમેદવારોનુ સમર્થન કરીને ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ કેનેડામાં ભારે ઉહાપોહ થતા ટ્રુડો સરકારે તેની તપાસ શરુ કરવાની જાહેરાત કરી હતી પણ હવે તો તપાસ માટેના કમિશને એવુ એલાન કર્યુ છે કે, કેનેડામાં 2019 અને 2022માં યોજાયેલી ચૂંટણીઓમાં ભારતનો પણ કોઈ હાથ હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. આ અંગેના જો કોઈ દસ્તાવેજો મોજૂદ હોય તો અમે ટ્રુડો સરકારને રજૂ કરવા માટે પણ કહ્યુ છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગત વર્ષે કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો જાહેરમાં આક્ષેપ કર્યો હતો અને એ પછી ભારત અને કેનેડા વચ્ચેના સબંધો એમ પણ ખરાબ થઈ ચુકેલા છે અને હવે કેનેડાની ચૂંટણીમાં ભારતની સંડોવણીના આરોપોની તપાસના કારણે આ સબંધો વધારે વણસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *