ઓલી પોપે તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારીને ઈંગ્લેન્ડનો કારમો પરાજય પાછળ ઠેલી ટીમને બીજી ઈનિંગ્સમાં 126 રનની સરસાઈ અપાવી
હૈદ્રાબાદ
હૈદરાબાદના એ જ મેદાન પર જ્યાં ભારતીય બોલરો તેમની ઘાતક બોલિંગથી તબાહી મચાવી રહ્યા છે, ત્યાં ઓલી પોપે સદી ફટકારીને ટીમની લાજ બચાવી છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં, પોપે ધીરજ સાથે શાનદાર બેટિંગ કરી અને તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી. પોપની સદીના કારણે ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની લડાઈ જારી છે. પ્રવાસી ટીમે ત્રીજા દિવસની રમતના અંતે છ વિકેટ ગુમાવીને 316 રન બનાવી લઈ 126 રનની મહત્વપૂર્મ સરસાઈ મેળવી છે અને તેની હજી ચાર વિકેટ બાકી છે. પોપ 148 રને અને રેહાન અહેમદ 16 રને રમતમાં છે.
જેક ક્રોલી પેવેલિયન પરત ફર્યા બાદ ક્રિઝ પર આવેલા ઓલી પોપ શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા હતા. પોપે પોતાની નજર ક્રિઝ પર સેટ કરી અને બીજી વિકેટ માટે બેન ડકેટ સાથે અડધી સદીની ભાગીદારી કરી.
ડકેટ પેવેલિયન પરત ફર્યા બાદ જો રૂટ, બેયરસ્ટો અને કેપ્ટન બેન સ્ટોક્સ પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. જો કે, આનાથી પોપની બેટિંગ પર કોઈ અસર થઈ નહીં અને તે એક છેડે ઊભો રહ્યો. પોપે પોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી 154 બોલમાં પૂરી કરી હતી.
એક સમયે ઈંગ્લેન્ડની ટીમ 163ના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, ઓલી પોપ ટીમનો મુશ્કેલીનિવારક બન્યો અને તેને બેન ફોક્સનો સારો સપોર્ટ મળ્યો. બંનેએ સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 88 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ફોક્સ 34 રન બનાવીને અક્ષર પટેલનો શિકાર બન્યો હતો.
જો રૂટ બીજી ઈનિંગમાં પણ બેટથી કંઈ ખાસ બતાવી શક્યો નહોતો. જસપ્રિત બુમરાહે માત્ર 2 રનના સ્કોર પર રૂટને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 10 રન બનાવ્યા બાદ જોની બેરસ્ટો રવિન્દ્ર જાડેજાના શાનદાર બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. બેન સ્ટોક્સ 6 રનના સ્કોર પર અશ્વિને આઉટ થયો હતો. બેન ડકેટે 47 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે જેક ક્રાઉલી 31 રન બનાવીને અશ્વિનનો શિકાર બન્યો હતો.