રાજ્ય સરકારના સૂત્રોએ સંકેત આપ્યો છે કે તે વર્ષ 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ માટે બિડ કરી શકે છે
નવી દિલ્હી
પ્રજાસત્તાક દિવસ 2024ના અવસરે ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન ભારતના મુખ્ય મહેમાન હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત ભોજન સમારંભ દરમિયાન ઈમાન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે”અમને ભારત સાથે રમતગમત પર વધુ મજબૂત સહયોગ બનાવવામાં ખુશી થશે. ભવિષ્યમાં ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાના તમારા સંકલ્પને અમે ચોક્કસપણે સમર્થન આપીશું.’
ફ્રાંસની રાજધાની પેરિસમાં 2024 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે. ઓલિમ્પિક ગેમ્સ 26મી જુલાઈથી શરૂ થશે અને 11મી ઓગસ્ટે સમાપ્ત થશે. ઓલિમ્પિકના સમાપન બાદ પેરિસમાં 28મી ઓગસ્ટથી આઠમી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક ગેમ્સ શરૂ થશે. 19મી જાન્યુઆરીએ ખેલો ઈન્ડિયા ગેમ્સનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘સરકાર 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની દિશામાં કામ કરી રહી છે.’
ઓલિમ્પિક 2036ની યજમાની માટે ભારતે એક મોટું પગલું ભર્યું છે. ગુજરાત સરકારે વર્ષ 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા માટે અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્ય સરકારના સૂત્રોએ સંકેત આપ્યો છે કે તે વર્ષ 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ માટે બિડ કરી શકે છે. ગુજરાત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર વર્ષ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને બિડ કરવા માટે તૈયાર કરી રહી છે, પરંતુ હવે વર્ષ 2026 માટે સરકાર વિચારી રહી છે. આશા છે કે કેન્દ્ર સરકાર તેને સમર્થન આપશે.