આ વલણ જીતના સમીકરણ સાથે આગળ વધશે, ઈન્ડિયાની ટીમ અને પીડીએની વ્યૂહરચના ઈતિહાસ બદલી નાખશે એવો નેતાનો દાવો
લખનૌ
લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલી ‘ઈન્ડિયા ગઠબંધન’ની પ્રમુખ પાર્ટી કોંગ્રેસને જ્યાં પશ્ચિમ બંગાળ અને પંજાબમાંથી સાથી પક્ષોએ આંચકો આપ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાંથી એક સારા સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ડીલ ફાઈનલ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટી (એસપી)ના પ્રમુખ અખિલેશ યાદવે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે કોંગ્રેસ સાથે 11 સીટો પર ડીલ ફાઈનલ થઈ ગઈ છે.
અખિલેશ યાદવે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘કોંગ્રેસ સાથેની 11 મજબૂત બેઠકોથી અમારા સૌહાર્દપૂર્ણ ગઠબંધનની સારી શરૂઆત કરી રહ્યું છે. આ વલણ જીતના સમીકરણ સાથે આગળ વધશે. ‘ઈન્ડિયા’ની ટીમ અને ‘પીડીએ’ની વ્યૂહરચના ઈતિહાસ બદલી નાખશે. થોડા દિવસે પૂર્વે જ સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવ્યા હતા કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં 23 સીટો પર ચૂંટણી લડવા માંગે છે. સમાજવાદી પાર્ટી દ્વારા સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સપાએ કોંગ્રેસને 11 સીટોની ઓફર કરી છે.
અગાઉ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે કોઈ ઔપચારિક ગઠબંધન કર્યું ન હતું, પરંતુ અખિલેશ યાદવની આગેવાની હેઠળની પાર્ટીએ રાયબરેલી અને અમેઠી બેઠકો પર કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા. આ બેઠક પરથી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી ચૂંટણી લડ્યા હતા.આ પહેલા સમાજવાદી પાર્ટીએ રાષ્ટ્રીય લોક દળ (આરએલડી) સાથે ગઠબંધન કર્યું હતું, જે અંતર્ગત આરએલડીને 7 સીટો આપવામાં આવી હતી.
અખિલેશ યાદવના 11 બેઠકો આપવાના પ્રસ્તાવ પર કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વએ નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યના ટોચના કોંગ્રેસ નેતૃત્વએ કહ્યું છે કે આ અખિલેશ યાદવનો એકપક્ષીય નિર્ણય છે જેની સાથે તેઓ સહમત નથી.