રાજ્યપાલનો એક વીડિયો પણ સામે આવ્યો જેમાં ખાન કહી રહ્યા છે કે,’ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરાવો, નહીં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવો
થિરુવનંતપુરમ
કેરળમાં એક કાર્યક્રમમાં જઈ રહેલા રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ એસએફઆઈના કાર્યકરોએ કાળા ઝંડા બતાવ્યા અને ગો બેકના નારા લગાવ્યા હતાં. આનાથી રોષે ભરાયેલા રાજ્યપાલ રસ્તા પર ખુરશી નાખીને ધરણા પર બેસી ગયા હતાં. આરિફ મોહમ્મદ ખાને ધરણા છોડવાનો ઇનકાર કર્યો હતો અને પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે ‘એસએફઆઈના કાર્યકરોને પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે અને તેની સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી.’
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે કોટારાકારા જઈ રહ્યા હતા. જ્યારે તેમનો કાફલો કોલ્લમના નીલામેલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સીપીઆઈની વિદ્યાર્થી પાંખ એસએફઆઈના કાર્યકરોએ રાજ્યપાલના વિરોધમાં કાળા ઝંડા બતાવ્યા હતા. આનાથી આરિફ મોહમ્મદ ખાન એટલો નારાજ થઈ ગયા કે તેઓ તરત જ કારમાંથી ઉતરીને રસ્તાની બાજુના એક દુકાનદાર પાસેથી ખુરશી માગી અને ત્યાં ધરણા પર બેસી ગયા હતાં. રાજ્યપાલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આરિફ મોહમ્મદ ખાન કહી રહ્યા છે કે,’ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરાવો, નહીં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવો.’
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના વિરોધ બાદ પોલીસે એસએફઆઈના 13 કાર્યકરો સામે આઈપીસીની કલમ 143, 144, 147, 283, 353, 124, 149 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.