વાવાઝોડાને કારણે દરિયો તોફાની બન્યો હોવાથી મુંબઈ પોલીસે તમામ દરિયાકિનારા પર પર્યટકોના જવા પર પ્રતિબંધ મૂક્યો હતો
મુંબઈ
જુહૂ કોળીવાડા વિસ્તારથી સાંતાક્રુઝના દરિયામાં તરવા માટે ગયેલા અને સોમવારે સાંજે તણાઈ ગયેલા પાંચ છોકરાઓમાંથી ત્રણના મૃતદેહ મંગળવારે મળી આવ્યા હતા.
તો એક કિશોરની મોડી રાત સુધી શોધ ચાલુ હતી. ૧૨થી ૧૬ વર્ષના વયના પાંચ મિત્ર સોમવારે સાંજે દરિયામાં તણાઈ ગયા હતા, જેમાંથી એકને સોમવારે માચ્છીમારે બચાવી લીધો હતો.અરબી સમુદ્રમાં નિર્માણ થયેલા વાવાઝોડાને કારણે દરિયો તોફાની બન્યો હોવાથી મુંબઈ પોલીસે તમામ દરિયાકિનારા પર પર્યટકોના જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
છતાં સોમવારે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ છોકરાઓ જુહૂ-કોળીવાડ વિસ્તારમાંથી દરિયામાં અંદર ઘૂસ્યા હતા. દરિયામાં ભરતીની સાથે જ મોટા પ્રમાણમાં મોજા ઉછળી રહ્યા હોવાથી પાંચેય છોકરા પાણીની સાથે અંદર તણાઈ ગયા હતા. એ દરમિયાન એક માછીમારે આ લોકોને ડૂબતા જોતા તે તુરંત દોડી ગયો હતો અને તેણે એકને બચાવી લીધો હતો. જ્યારે અન્ય ચાર પાણીમાં અંદર તણાઈ ગયા હતા.
દરિયામાં તણાઈ ગયેલા લોકોને શોધવા માટે સોમવાર મોડી સાંજે સુધી કોસ્ટ ગાર્ડની મદદથી ફાયરબિગ્રેડે રૅસ્કયુ ઑપરેશન હાથ ધર્યું હતું. જોકે દરિયો તોફાની હોવાની સાથે જ વિઝિબિલીટી ઓછી હોવાથી સોમવારે મોડી રાતના ૧૧ વાગે રૅસ્કયુ ઑપરેશન બંધ કરવામાં આવ્યું હતું.
એ અગાઉ નેવી ચોપરથી પણ દરિયામાં તેમને શોધવામાં આવ્યા હતા. જોકે તેમાં પણ નિષ્ફળતા મળી હતી. મંગળવારે વહેલી સવારથી રૅસ્ક્યુ ઑપરેશન ફરી ચાલુ કરવામાં આવ્યું હતું. એ દરમિયાન બે કિશોર મળી આવતા તેમને કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતકોમાં ૧૬ વર્ષના ધર્મેશ વાલજી ફુજીયા, ૧૬ વર્ષનો શુભમ યોગેશ ઓગનિયાનો સમાવેશ થાય છે. બપોરે બાદમાં ૧૬ વર્ષનો મનીષ યોગેશ ઓગનિયાનાનો મૃતદેહ મળી આવ્યો હતો. તો જય રોશન તજભરિયાનો મંગળવાર સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો. તેની શોધ હજી ચાલુ છે.