એન્જિનિયર પર અમેરિકાની ટોપ સિક્રેટ ટેકનોલોજી ચોરીને ચીનને વેચવાનો આરોપ
વોશિંગ્ટન
ચીનના જાસૂસો આખી દુનિયામાં પોતાનો પગ જમાવવા માટે મથી રહ્યા છે.
અમેરિકાની જાસૂસી કરવા માટે પણ ચીન ધમપછાડા કરી રહ્યુ છે. ચાઈનીઝ મૂળના એક અમેરિકન એન્જિનિયર પર અમેરિકાની ટોપ સિક્રેટ ટેકનોલોજી ચોરીને ચીનને વેચવાનો આરોપ લાગ્યો છે. તેની ધરપકડ કરવામાં આવી છે.
લોસ એન્જલિસ શહેરના એટોર્ની માર્ટિન એસ્ટ્રાડાના કહેવા પ્રમાણે કેલિફોર્નિયાના સેન જોસમાં રહેતો 57 વર્ષીય ચેંગુઆંગ ગોંગ મૂળે ચીનનો નાગરિક છે. 2011માં તેને અમેરિકાની નાગરિકતા મળી હતી. તે એન્જિનિયર હોવાના નાતે સંરક્ષણ ક્ષેત્રમાં કાર્યરત અમેરિકાની કંપનીઓમાં કામ કરતો હતો. ગોંગે 3600થી વધારે ડિજટલ ફાઈલો પોતાના પર્સનલ સ્ટોરેજ ડિવાઈઝમાં ગત વર્ષે 30 માર્ચથી 25 એપ્રિલની વચ્ચે ટ્રાન્સફર કરી દીધી હતી
પોલીસ દ્વારા તેના પર દુશ્મનની ન્યુક્લિયર તેમજ બેલેસ્ટિક મિસાઈલોને અંતરિક્ષમાંથી ટ્રેક કરવા માટે વિકસાવવામાં આવેલી ટેકનોલોજી ચોરવાનો અ્ને ચીનને વેચવાનો આરોપ લગાવાયો છે. કેલિફોર્નિયાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનુ કહેવુ છે કે, આ ટેકનિક જો આંતરરાષ્ટ્રીય સ્તર પર લીક થઈ હોત તો અમેરિકાની સુરક્ષા માટે આ વાત ઘણી ખતરનાક સાબિત થઈ હોત.
પોલીસ અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે એવો પણ આરોપ મુકયો છે કે, ગોંગ જ્યારે અમેરિકામાં સંવેદનશીલ ટેકનોલોજી પર કામ કરતો હતો ત્યારે તેણે 2014 થી 2022ની વચ્ચે ચીનના ટેલેન્ટ પ્રોગ્રામના ભાગરુપે અમેરિકન કંપનીઓમાં કામ કરતી વખતે મેળવેલી જાણકારી ચીન માટે ઉપયોગમાં લેવાના પ્રસ્તાવ મુકયા હતા. આ એવી ટેકનોલોજી હતી જે ચીન પાસે નથી અને ગોંગે ચીન માટે તે ડેવલપ કરી આપવાની ઓફર મુકી હતી.
લોસ એન્જલિસ શહેરના એટોર્ની માર્ટિન એસ્ટ્રાડાનુ કહેવુ છે કે, અમે જાણીએ છે કે, ચીન સહિતના બીજા દેશો અમારી ટેકનોલોજી ચોરવાના પ્રયત્નો કરતા હોય છે પણ અમે સતર્ક છે.