સૈન્યની એવી ઈચ્છા છે કે નવાઝ શરીફ ફરી વડાપ્રધાન બને, જ્યારે પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો નવાઝ શરીફને પસંદ નથી કરતા
ઈસ્લામાબાદ
પાકિસ્તાનમાં આ વખતે કોઈની પણ બહુમતી ધરાવતી સરકાર બનતી દેખાઈ રહી નથી. ત્યારે નવાઝ શરીફ અને ઈમરાન ખાન બંને પોત-પોતાની રીતે સરકાર રચવાનો દાવો કરી ચૂક્યા છે. આ દરમિયાન પીટીઆઈના સમર્થકોનો દાવો છે કે બહુમતી તેમની પાસે છે. આ સૌની વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ મુનીરના નિવેદનથી રાજકીય પક્ષોના ધબકારાં વધી ગયા છે અને કોની સરકાર રચાશે તેને લઇને પણ હવે સંકેત મળવા લાગ્યા છે.
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસીમ મુનીરે રાજકીય પક્ષોના નેતાઓને એક સલાહ આપતાં કહ્યું છે કે તમારે સ્વાર્થથી હટીને વિચારવાની જરૂર છે. પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન તરફથી જણાવાયું કે સૈન્ય પ્રમુખે કહ્યું છે કે જો દેશ હિતમાં તમામ લોકશાહી પક્ષો એકજૂટ થાય તો દેશ માટે સારો મેસેજ જશે.
ઉલ્લેખનીય છે કે સૈન્યની એવી ઈચ્છા છે કે નવાઝ શરીફ ફરી વડાપ્રધાન બને. જ્યારે પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો નવાઝ શરીફને પસંદ નથી કરતા. એવામાં ગઠબંધન વચ્ચે તકલીફો પેદા થઈ શકે છે. જ્યારે પીએમએલ-એન પાસે પીપીપી સાથે ગઠબંધન કરવાનો જ એકમાત્ર રસ્તો છે. આ વાતને લઈને જ સૈન્ય પ્રમુખ સ્વાર્થથી હટીને વિચારવાની અપીલ કરી રહ્યા હોય તેવું લાગે છે.
નવાઝ શરીફે પીએમએલ-એનની જીતનો દાવો કર્યો છે અને કહ્યું છે કે તેઓ ગઠબંધન સરકાર બનાવશે. ઈમરાન ખાને એઆઈ દ્વારા વિજયી ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે તેમને બે તૃતીયાંશ બહુમતી મળવા જઈ રહી છે. ભ્રષ્ટાચારના કેસમાં દોષિત જાહેર થયા બાદ ઈમરાન ખાન પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ સિવાય તેમની પાર્ટીનું નામ અને ચિહ્ન પણ છીનવી લેવામાં આવ્યું હતું. પછી ઈમરાન ખાનના સમર્થકોએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.