આ કેસમાં ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન યુવતીને પણ પોલીસે નિવેદન માટે બોલાવી હતી, પરંતુ તે નિવેદન આપવા આવી ન હતી
અમદાવાદ
અમદાવાદની જાણીતી કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જે મામલે આજે રાજીવ મોદી સોલા નિવેદન નોંધાવવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. ઉલ્લેખનીય છે કે કેડિલાના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી આ કેસમાં પોલીસ પકડથી દૂર હતા. ત્યારે હવે પહેલી વાર પોલીસ સમક્ષ હાજર થયા છે.
આ કેસમાં ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન યુવતીને પણ પોલીસે નિવેદન માટે બોલાવી હતી. પરંતુ તે નિવેદન આપવા આવી ન હતી. પોલીસને હજુ સુધી જાણ નથી કે યુવતી ક્યા ક્યા છે. જો કે અમદાવાદ સીપીએ દાવો કર્યો હતો કે બલ્ગેરિયન યુવતી પોતાના વતન પરત ફરી છે. જ્યારથી બલ્ગેરિયન યુવતીએ ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે ત્યારથી આ કેસમાં અનેક વળાંકો આવી રહ્યા છે. શહેરના હાઈ પ્રોફાઈલ કેસમાં રાજીવ મોદી છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતા ત્યારે આજે સવારે અચાનક રાજીવ મોદી સોલા પોલીસમાં હાજર થયા હતા. પોલીસ દ્વારા તેમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે.
આ કેસમાં અગાઉ ફરિયાદી બલ્ગેરિયન યુવતી ગુમ થઈ હતી, જે અંગેની ફરિયાદ યુવતીના વકીલે જેસીપીને કરી હતી. આ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે 24 જાન્યુઆરી બાદથી યુવતીનો સંપર્ક થઇ શક્યો નથી તેમજ તેની સુરક્ષાને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી. વકીલે ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લે યુવતીનો સંપર્ક રીંગરોડ પર આવેલા બાલાજી અગોરા મોલ પાસે મળી આવ્યો હતો. થોડા દિવસ બાદ યુવતી પોતાના વકીલ સાથે તપાસ અધિકારીને નિવેદન નોંધાવવા જવાની હતી પરંતુ અધિકારી તેમના કામમાં વ્યસ્ત હોવાથી નિવેદન નોંધાયું ન હતું.