ભાજપે તેમને રાજ્યસભાની ટિકિટ આપીને પ્રદેશના રાજકારણમાંથી બહાર મોકલી દીધા
નવી દિલ્હી
કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે બુધવારે દાવો કર્યો કે તાજેતરમાં જ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા અશોક ચવ્હાણ, મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ ઈચ્છતા હતા પરંતુ ભાજપે તેમને રાજ્યસભાની ટિકિટ આપીને પ્રદેશના રાજકારણમાંથી બહાર મોકલી દીધા.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ કે ભાજપના દાવાઓના વિપરીત, કોંગ્રેસના કોઈ અન્ય ધારાસભ્ય તેમના સંપર્કમાં નથી. ભાજપ તરફથી બુધવારે જારી યાદી અનુસાર ચવ્હાણને મહારાષ્ટ્રથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તે પહેલા તેમને લોકસભાની ટિકિટ આપવાને લઈને પણ ચર્ચાઓ હતી.
પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યુ, તેમની (ભાજપ અને અશોક ચવ્હાણ) વાતચીત છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. તેઓ નાયબ મુખ્યમંત્રી પદ અને રાજ્ય મંત્રીમંડળમાં એક મહત્વપૂર્ણ વિભાગ ઈચ્છતા હતા પરંતુ આ માંગ પર વિરોધ શરૂ થઈ ગયો. હવે તેમને રાજ્યની રાજનીતિથી બહાર મોકલી દેવાયા છે. અમે તેમને શુભકામનાઓ આપીએ છીએ. મહારાષ્ટ્રમાં વર્તમાનમાં બે નાયબ મુખ્યમંત્રી, ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજીત પવાર છે જ્યારે મુખ્યમંત્રી પદ શિવસેના પ્રમુખ એકનાથ શિંદે સંભાળી રહ્યા છે.
ચવ્હાણ સિવાય કોંગ્રેસ છોડનાર મહારાષ્ટ્રના દિગ્ગજોમાં મિલિંદ દેવડાનું નામ પણ સામેલ છે. તેમને શિવસેનાએ રાજ્યસભા માટે ઉમેદવાર બનાવ્યા છે. ખાસ વાત એ છે કે અમુક જ અઠવાડિયામાં મહારાષ્ટ્રના ત્રણ મોટા નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધુ છે. ચવ્હાણ અને દેવડા સિવાય આ લિસ્ટમાં રાજ્યમાં પૂર્વમાં મંત્રી રહી ચૂકેલા બાબા સિદ્દીકીનું નામ પણ સામેલ છે.