અમદાવાદમાં અભ્યાસ કરનાર રુચિર દવે ગેરી ગીવ્ઝનું સ્થાન લેશે
વોશિંગ્ટન
ટેક જાયન્ટ એપલમાં ગુજરાતી મૂળના રુચિર દવે એકોસ્ટિક્સ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એપલની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જેમાં રુચિર દવે ટૂંક સમયમાં જ ગેરી ગીવ્ઝનું સ્થાન લેશે.
મીડિયા રિપોટ્સના અનુસાર ગુજરાતમાં ભણેલા રુચિર દવે હવે એપલમાં મોટી જવાબદારી નિભાવવા જઈ રહ્યા છે અને તેઓ ગેરી ગીવ્ઝનું સ્થાન લેશે. રુચિર દવે લગભગ 14 વર્ષથી એપલ કંપનીમાં સેવા આપી રહ્યા છે. તેઓ વર્ષ 2009માં આ કંપની સાથે જોડાયા હતા. અહીં તે એકોસ્ટિક્સ એન્જિનિયર ટીમને કમાન્ડ કરતા હતા. આ પછી, તેમને વર્ષ 2012માં મેનેજર લેવલ પર બઢતી આપવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2021માં તેમને સિનિયર ડાયરેક્ટરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. રુચિર દવેએ એપલ પહેલા લગભગ 10 વર્ષ સુધી સિસ્કોમાં કામ કર્યું હતું.
નોંધનીય છે કે રુચિર દવેએ અમદાવાદના શારદા મંદિર શાળામાં 1982થી 1994 સુધી અભ્યાસ કર્યો હતો. આ પછી તેઓ 1998માં અમદાવાદની લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક થયા હતા. ત્યારબાદ તેઓ પેન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ જાહેરાત હાલ માટે ખાનગી રાખવામાં આવી છે. કંપનીએ આની સત્તાવાર જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે એપલની હાર્ડવેર ટીમમાં લગભગ 300 કર્મચારીઓ કામ કરે છે અને કર્મચારીઓ કંપનીના હોમપોડ, એરપોડ્સ અને સ્પીકર્સ બિઝનેસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ટીમ સાઉન્ડ અને માઇક્રોફોન ટેક્નોલોજીને એડવાન્સ બનાવવા ઉપર તેમજ સ્પેશિયલ ઑડિયો જેવી સૉફ્ટવેર સુવિધાઓ પર પણ કામ કરે છે.