સુકાનીની ચેતવણી બાદ સરફરાઝે પહેલા હેલ્મેટ પહેરી અને પછી સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ શરૂ કરી હતી
રાંચી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ સરફરાઝ ખાનને ચેતવણી આપી હતી. આ ઘટના રાંચી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બની હતી. ઈંગ્લેન્ડની ટીમ મેદાન પર બેટિંગ કરી રહી હતી. આ દરમિયાન રોહિત શર્માએ સરફરાઝ ખાનને ચેતવણી આપી અને તેને હીરો ન બનવા કહ્યું હતું. હવે રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત સ્ટાર બેટ્સમેન સરફરાઝને ચેતવણી આપતો જોવા મળી રહ્યો છે.
રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સરફરાઝ ખાન સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આ પોઝિશનમાં ફિલ્ડિંગ કરનાર કોઈપણ ખેલાડીએ હેલ્મેટ પહેરવું આવશ્યક છે. પરંતુ જ્યારે સરફરાઝ ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે હેલ્મેટ પહેર્યા વિના ફિલ્ડિંગ શરૂ કરી હતી, આ બાબતે રોહિત શર્માએ તેને ચેતવણી આપી હતી. રોહિત શર્માએ સરફરાઝને કહ્યું કે, “ઓય હીરો નહીં બનને કા.” રોહિત સરફરાઝને હેલ્મેટ પહેરવાનું કહી રહ્યો હતો. ત્યારબાદ સરફરાઝે પહેલા હેલ્મેટ પહેરી અને પછી સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ શરૂ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શનના કારણે સરફરાઝને ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ મેચમાં પણ રમવાની તક મળી હતી. જો કે આ મેચની પ્રથમ ઇનિંગમાં તે કંઈ ખાસ કરી શક્યો ન હતો અને માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જો કે સરફરાઝ તેની શાનદાર ફિલ્ડિંગને કારણે ચર્ચામાં છે. તેણે શાનદાર કેચ લઈને ઈંગ્લેન્ડના ખેલાડી બેન ડકેટ અને ટોમ હાર્ટલીને પેવેલિયન પરત કર્યા હતા.