સંદેશખાલી કેસ મુદ્દે ઈન્ડી ગઠબંધન ચુપ છે, જેના કારણે આખો દેશ દુઃખી છે, તેમના નેતાઓના આંખ-કાન-નાક અને મોઢું ગાંધીજીના ત્રણ બંદરોની જેમ બંધ છેઃ મોદીના પ્રહાર
કોલકાતા
પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે આરામબાગમાં 7200 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે, 21મી સદીનું ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. આપણે બધાએ મળીને 2047 સુધીમાં વિકસીત ભારત બનાવવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે. અમારી સૌપ્રથમ પ્રાથમિકતા ગરીબ ખેડૂતો, મહિલાઓ તેમજ યુવાઓ છે. સંબોધન દરમિયાન તેમણે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા પર આકરા પ્રહારો કર્યા છે. હાલ રાજ્યમાં સંદેશખાલી કેસ મામલે રાજ્યમાં ભાજપ અને ટીએમસી શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ મામલે પીએમ મોદીએ આક્ષેપ કર્યો છે કે, ‘સંદેશખાલી કેસ મુદ્દે ઈન્ડી ગઠબંધન ચુપ છે, જેના કારણે આખો દેશ દુઃખી છે. તેમના નેતાઓના આંખ-કાન-નાક અને મોઢું ગાંધીજીના ત્રણ બંદરોની જેમ બંધ છે.’
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે, ‘અમે ગરીબોના કલ્યાણ માટે લીધેલા પગલાઓ આજે આખી દુનિયા જોઈ રહી છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, જે દર્શાવે છે કે, અમારી સરકારની દિશા, નીતિઓ અને નિર્ણય બધુ જ યોગ્ય છે. છેલ્લા 10 વર્ષમાં પશ્ચિમ બંગાળમાં 150થી વધુ નવી ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી. અહીં પાંચ નવી વંદે ભારત એક્સપ્રેસ બંગાળના લોકોને રેલવે યાત્રાનો નવો અનુભવ કરાવી રહી છે. મને વિશ્વાસ છે કે, બંગાળના લોકો સહયોગ આપી વિકસીત ભારતનું સંકલ્પ પૂર્ણ કરવામાં મદદ કરશે.’ આ ઉપરાંત તેમણે સંદેશખાલી વિવાદ મામલે ઈન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, ‘ટીએમસીના કારણે રાજ્યમાં અત્યાચાર અને ભ્રષ્ટાચારમાં વધારો થયો છે. હાલ દેશ વિકાસ કરી રહ્યો છે, ત્યારે આખો દેશ બંગાળની સ્થિતિ પણ જોઈ રહ્યો છે. માતા, માટી અને માનવતાનો ઢોલ પીટનાર ટીએમસીએ સંદેશખાલીની બહેનો સાથે જે કર્યું, તે જોઈ આંખો દેશ દુઃખી અને આક્રોશમાં છે.
તેમણે કહ્યું કે, ‘મમતા દીદી એ અને ટીએમસીના લોકોએ આરોપીને બચાવવા તમામ પ્રયાસો કર્યા. ભાજપા લોકોએ મહિલાઓને બચાવવા દંડા ખાધા અને મુસીબતનો સામનો કર્યો. આ દબાણના કારણે આરોપીઓને ધરપકડ કરવી પડી. ટીએમસીનો આ ગુનેગાર લગભગ બે મહિનાથી ફરાર રહ્યો. તેને બચાવના કોઈ તો હશે જ.’ વડાપ્રધાન મોદીએ ત્યાં ઉપસ્થિત જનમેદની પૂછ્યું કે, ‘શું તમે આવી ટીએમસીને માફ કરશો?’
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ‘માતાઓ અને બહેનો સાથે જે થયું, શું તમે તેનો બદલો લેશો કે નહીં ? બંગાળની જનતા મુખ્યમંત્રી દીદીને પૂછી રહી છે. શું કેટલાક લોકો મત તમારા (મમતા બેનરજી) માટે બંગાળની મહિલાઓ કરતા વધુ મહત્ત્વના થઈ ગયા છે. તમને શરમ આવવી જોઈએ. ઈન્ડી ગઠબંધનના નેતાઓ સંદેશખાલીની ઘટના મુદ્દે ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ આંખ-નાક-કાન-નાક-મોઢું બંધ કરીને બેઠા છે.’