આ કારોમાં સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ફેન્ટમ હતી, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે
કાનપુર
આવકવેરા વિભાગે (આઈટી) ઉત્તરપ્રદેશના કાનપુરની એક તમાકુ કંપનીમાં દરોડા પાડ્યા હતા. સાથે જ દિલ્હી, મુંબઈ, ગુજરાત સહિત 20 ઠેકાણા પર પણ દરોડા પાડ્યા હતા. સૂત્રોના અનુસાર, કંપનીએ પોતાનું ટર્નઓવર 20 થી 25 કરોડ બતાવ્યું છે, પરંતુ હકિકતમાં આ ટર્નઓવર લગભગ 100-150 કરોડ આસપાસ છે. આ દરોડામાં મળેલા સામાનની તસવીરો જોઈને તમે ચોંકી જશો. તમે આ જોઈને એ વિચાર કરશો કે તમાકુ બનાવતી કંપની કેટલું કમાઈ શકે છે અને આટલું બધુ કોઈ દરોડામાં કેવી રીતે મળી શકે છે. જોકે, આવકવેરા વિભાગે કાનપુરમાં બંસીધર તમાકુ કંપનીના કેટલાક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. કાનપુર સહિત 5 રાજ્યોમાં 15 થી 20 ટીમો દ્વારા આ કાર્યવાહીને અંજામ અપાયો. નયાગંજ સ્થિત બંસીધર એક્સપોર્ટ અને બંસીધર તમાકુને ત્યાં આવકવેરા વિભાગની કાર્યવાહી હજુ ચાલી રહી છે.
જણાવી દઈએ કે, આ દરોડામાં આવકવેરા વિભાગને 60 કરોડ રૂપિયાથી વધુની કિંમતની લગ્ઝરી કારો મળી છે. આ કારો દિલ્હીના નિવાસ સ્થાને રાખવામાં આવી હતી. આ કારોમાં સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ફેન્ટમ હતી, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. બંસીધર તમાકુના માલિક કેકે મિશ્રાના દીકરાના ઘરે દરોડામાં મેક્લરેન, લેમ્બોર્ગિની, ફરારી જેવી ગાડીઓ પણ મળી છે, જેની કિંમત કરોડોમાં છે. સાથે જ આવકવેરા વિભાગને આ દરોડામાં કુલ 4.5 કરોડ રૂપિયા કેશ પણ મળ્યા છે. સાથે જ કેટલાક દસ્તાવેજ પણ આવકવેરા વિભાગે જપ્ત કરી લીધા છે.
આવકવેરા વિભાગના સૂત્રોના અનુસાર, કંપની દ્વારા લૉગમાં દાખલ કંપનીને બનાવટી ચેક અપાઈ રહ્યા હતા. સાથે જ કંપની અન્ય કેટલીક મોટી પાન-મસાલા કંપનીઓને પણ સામગ્રી પહોંચાડતી હતી. કંપનીએ પોતાનું ટર્નઓવર 20-25 કરોડ રૂપિયા બતાવ્યું છે. હકીકતમાં આ ટર્નઓવર 100-150 કરોડ બતાવાઈ રહ્યું છે. જણાવી દઈએ કે, આ દરમિયાન જ્યારે બંસીધર તમાકુ કંપનીના માલિકના દીકરા શિવમ મિશ્રાના ઘરે સર્ચ ઓપરેશન કરાયું તો આ કારોનો કાફલો સામે આવ્યો. ત્યારબાદ જેમણે પણ આ કારોને જોઈ તેઓ ચોંકી ગયા.