પાર્ટીમાં ઉપેક્ષા, અવગણના અને અપમાન કરવામાં આવતું હોવાના આક્ષેપ
કોલકાતા
પશ્ચિમ બંગાળ તૃણમૂલના વિધાન સભ્ય તાપસ રોયે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે વિધાન સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તાપસ રોય પાર્ટીથી ખૂબ નારાજ દેખાતા હતા. બારાનગરના તૃણમૂલ વિધાન સભ્ય તાપસ રોય વિધાનસભા જવા માટે જ્યારે રવાના થયા ત્યારથી જ સૂત્રોએ અટકળો લગાવવાની શરૂ કરી હતી કે તેઓ વિધાન સભ્યના પદ પરથી રાજીનામું આપવાના છે.
આજે સવારે તાપસ રોયે પાર્ટી સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તૃણમુલના નેતા બ્રત્યા બાસુ અને કુણાલ ઘોષ આજે વહેલી સવારે બોબબજારમાં તાપસના ઘરે તેમને મળવા અને મનાવવા ગયા હતા. તેમના ગયા બાદ તાપસે પત્રકારોને સંબોધ્યા હતા. તાપસ રોયે કહ્યું હતું કે, પાર્ટીમાં તેમની ઉપેક્ષા, અવગણના અને અપમાન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું છે. તેમના આવા નિવેદન બાદ તેઓ ભાજપમાં જોડાવાના હોવાની અટકળો ચાલી રહી છે.
તેમણે રવિવારે પોતાના નજીકના લોકોને કહ્યું હતું કે તેઓ હવે તૃણમૂલ કૉંગ્રેસમાં પાછા નહીં કરે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024 પહેલા ઉત્તર કોલકાતાનું તૃણમૂલ નેતૃત્વ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાના કેન્દ્રમાં છે. અનેક નેતાઓના મતભેદો સપાટી પર આવ્યા છે. બારાનગર તૃણમૂલના ધારાસભ્ય તાપસ રોયે સાંસદ સુદીપ બંદોપાધ્યાય સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. શનિવારે, તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તે સુદીપ બેનરજીએ જ ઈડી અધિકારીઓને તેમના ઘરે મોકલ્યા હતા.
હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઈડીના સંકજામાંથઈ બચવા માટે તેઓ ભાજપનો હાથ ઝાલી શકે છે. વિરોધ પક્ષો સતત એવો આક્ષેપ કરી રહ્યા છે કે વિરોધ પક્ષના જે નેતાઓ સામે ઈડીની કાર્યવાહી થઇ હોય કે થવાની હોય, તેઓ જો ભાજપમાં જોડાઇ જાય છએ તો તેમના બધા પાપ ધોવાઇ જાય છે. તેઓ શુદ્ધ થઇ જાય છે અને તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. હવે ટીએમસીના તાપસ રોયની કહાણીમાં શું વળાંક આવે છે એ જોવું રહ્યું.