કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓને ભાજપના રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયા પહેરાવ્યા
ગાંધીનગર
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપે પોતાના પહેલી યાદીમાં ગુજરાતના 15 સહિત 195 ઉમેદવારની જાહેરત પણ કરી દીધી છે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીનામાં આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. તેમની સાથે જામનગરના મૂળુ કંડોરીયા પણ ભાજપમાં જોડાયા છે. ત્રણેય નેતાઓએ ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો છે.
ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ‘1947માં દેશને આઝાદી મળી તે પહેલા સમગ્ર દેશની જનતા અને નાગરિકો, ક્રાંતિકારીઓ મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ એકઠા થયા હતા. તેમાં તમામ વિચારધારાના લોકો હતા. લક્ષ્ય હતું રાજકીય આઝાદીનું. આઝાદી મળી પણ સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી છે. આજે પણ આપણને આ સપનું અધુંરું દેખાય છે. તે વખતે મહાત્મા ગાંધી અને સરાદાર સાહેબ દેશનું નેતૃત્વ કરતા હતા. આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. વિકસિત ભારતનું સપનું લઈને દિવસ અને રાત જોયા વગર કામ કરી રહ્યા છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ‘દેશમાં રાજનીતિમાં કોઈ ઉદ્દેશ સાથે આવતું નથી. વડાપ્રધાન મોદીનો ઉદ્દેશ દેશમાં બદલાવ અને દેશને વિશ્વની મહાસત્તા તરીકે પ્રસ્તાપિત કરીને પાંચ ટ્રિલિયન ડોલરનું સપનું જોયું છે. સામાજિક અને આર્થિક આઝાદીનું સપનું વડાપ્રધાન મોદી જોઈ રહ્યા છે. એ વખતે પણ તમામ સમાજના લોકો સામ્યવાદી પક્ષને બાદ કરતા તમામ વિચારધારાના લોકો એકઠા થયા હતા. આ વખતે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ તમામ પ્રબુદ્ધ નાગરિકો એક થઈને આર્થિક અને સામાજિક બદલાવનું કામ કરે છે.’
અંબરીશ ડેરે ભાજપનો ખેસ પહેર્યા બાદ જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વન બુથ 10 યુથ કાર્યક્રમ ચલાવાયો હતો. તેવા સમયે કે જ્યારે મોબાઈલ કેમેરા વાળો ન હતો. તેવા સમયે અમરેલી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મૂકીને અમરેલીના એકે એક ગામમાં યુવા મોરચાના કામ કરેલું. સ્થાનિક લેવલે અમૂક કાર્યકર્તાઓ સાથે મતભેદ થતા પાર્ટી છોડી હતી. 2017માં કોંગ્રેસે ટિકિટ આપી અને હું ધારાસભ્ય રહ્યો. વ્યક્તિગત ટિપ્પણીથી બચીને બોલવાનો પ્રયત્ન કર્યો. સરકારમાં હાલમાં મંત્રીઓ કામ કરી રહ્યા છે તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ કામ કરવાની તક મળી છે.’
પાટીલ સાથે મુલાકાત અંગે અંબરીશ ડેરે કહ્યું કે, ‘મારા માતાની તબિયત ખરાબ હતી ત્યારે પાટીલ ઘરે પધાર્યા ત્યારે વાત થઈ. અને આજે ભાજપમાં જોડાયો છું. મારા મત વિસ્તારના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે. આવતીકાલે રાજુલાના અસંખ્ય કાર્યયકર્તાઓ ભાજપમાં જોડાવાના છે.
રામ મંદિર આમંત્રણ અંગે અંબરીશ ડેરે કહ્યું કે, ‘કોંગ્રેસના મોડવી મંડળે અને નજીકના લોકોએ અમુક બાબતોમાં મિસગાઈડ કર્યા. રામ મંદિર પ્રસંગે જે સ્ટેટમેન્ટ આવ્યું તે આઘાતજનક અને નિરાશાજનક રહ્યું. બધાજ ધર્મનો આદર અને સન્માન કરીએ છીએ. પરંતુ ઘરના મોભી નારાજ થાય તે વ્યાજબી નહીં. કોઈને દોષ આપવા માંગતો નથી. કોઈનું ખરાબ કહેવા માંગતો નથી.