ઓપનએઆઈ હવે માનવતાના કલ્યાણને બદલે માઈક્રોસોફ્ટ માટે મહત્તમ નફો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાનો આરોપ
વોશિંગ્ટન
ઈલોન મસ્ક ફરી એકવાર ચેટજીપીટીની પેરેન્ટ કંપની ઓપનએઆઈને લઈને સમાચારમાં છે. ઓપનએઆઈ સાથે ઈલોન મસ્કનો સંબંધ કંપનીનો પાયો નાખવામાં આવી રહ્યો હતો ત્યારનો છે. જો કે મસ્ક બાદમાં ઓપનએઆઈથી અલગ થઈ ગયા હતા. જયારે હવે મસ્કે ઓપનએઆઈ અને કંપનીના સીઈઓ સેમ ઓલ્ટમેન સામે કેસ દાખલ કર્યો છે. તેણે સેમ પર કંપનીના કોન્ટ્રાક્ટ અને વિવિધ બિઝનેસ પ્રેક્ટિસ તોડવાનો આરોપ લગાવ્યો છે. કંપની વિરુદ્ધ દાખલ કરાયેલા કેસમાં મસ્કએ કહ્યું છે કે ઓપનએઆઈ હવે માનવતાના કલ્યાણને બદલે માઈક્રોસોફ્ટ માટે મહત્તમ નફો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આ પછી સેમ ઓલ્ટમેને પોતાની અને મસ્ક વચ્ચેની જૂની વાતચીત શેર કરી. તેણે ટ્વિટર પર તેમની વાતચીત શેર કરી, જેમાં સેમે ટેસ્લા અને મસ્કને એવા સમયે સમર્થન આપ્યું જ્યારે ઘણા લોકો તેમનો વિરોધ કરી રહ્યા હતા. આ વાત ઘણા વર્ષો જૂની છે. આ બંને વચ્ચેની આ વાતચીત 2019માં ટ્વિટર પર થઈ હતી. એક સમયે ઈલોન મસ્ક પણ સ્થાપકોની ટીમમાં હતા. પરંતુ વર્ષ 2018માં તે અલગ થઇ ગયા અને હવે મસ્ક કંપની વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યા છે.
ઈલોન મસ્કએ ઓપનએઆઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જેમાં તેણે કંપની પર કોન્ટ્રાક્ટ તોડવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત, મસ્કનો આરોપ છે કે કંપની તેના મૂળ મિશનથી ભટકી ગઈ છે, જેમાં કંપનીને ઓપન સોર્સ આર્ટિફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ (એજીઆઈ) બનાવવાની હતી. જયારે હવે કંપની ઓપનએઆઈ તેના ઓપન સોર્સ એજીઆઈને ભૂલીને માઈક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી છે.
ઓપનએઆઈએ પણ મસ્કના આરોપોનો જવાબ આપ્યો છે. જેના કારણે બંને વચ્ચેની લડાઈ વધતી જોવા મળી રહી છે. ઓપનએઆઈએ એક બ્લોગપોસ્ટ બહાર પાડ્યો છે, જેમાં ઈલોન મસ્કના જૂના ઈમેલ છે, જે તેણે ઓપનએઆઈના સ્થાપકોને મોકલ્યા હતા. તે સમયે મસ્કએ ઓપનએઆઈની નફાકારક પેઢીને ટેકો આપ્યો હતો.
મસ્કે ટેસ્લાને એઆઈ રેસમાં ગૂગલ સામે ટક્કર આપવાનો આગ્રહ કર્યો હતો. આ ઉપરાંત મસ્કે ઓપનએઆઈમાં ભંડોળની સમસ્યાઓનો સંકેત આપ્યો હતો અને ઓપનએઆઈને ટેસ્લા સાથે જોડવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. જોકે, અન્ય કો-ફાઉન્ડર્સએ મસ્કના આ વિચારનો વિરોધ કર્યો હતો.
ઓપનએઆઈએ બ્લોગમાં સ્પષ્ટતા કરી છે કે વર્ષ 2018માં મસ્કે કંપની છોડી દીધી હતી. ઓપનએઆઈએ કહ્યું છે કે મસ્ક કંપની પર સંપૂર્ણ નિયંત્રણ ઈચ્છે છે. તેમણે મેજોરીટી ઇક્વિટી, બોર્ડ કંટ્રોલ અને સીઈઓની પોઝીશન માટે કહ્યું હતું. જેથી એક જ વ્યક્તિના હાથમાં સંપૂર્ણ નિયંત્રણ આપવું એ કંપનીના મિશનની વિરુદ્ધ હતું.