લિનવેઈ ડીંગ ચીનનો નાગરિક છે, કેલિફોર્નિયાના નેવાર્કમાં લિનવેઈ ડીંગની ધરપકડ કરવામાં આવી
વોશિંગ્ટન
ગૂગલના પૂર્વ સોફ્ટવેર એન્જિનિયર પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેક્નોલોજીની ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યાનુસાર, પૂર્વ સોફ્ટવેર એન્જિનિયર બે ચાઈનીઝ કંપનીઓ સાથે ગુપ્ત રીતે કામ કરતો હતો. ગૂગલના આ પૂર્વ સોફ્ટવેર એન્જિનિયરનું નામ લિનવેઈ ડીંગ જાણવા મળ્યું છે, જે ચીનનો નાગરિક છે. કેલિફોર્નિયાના નેવાર્કમાં લિનવેઈ ડીંગની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી.
રિપોર્ટ્સ અનુસાર અમેરિકન એટર્ની જનરલ મેરિક ગારલેન્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધરપકડ કરાયેલો એન્જિનિયર બે ચાઈનીઝ કંપનીઓ માટે ગુપ્ત રીતે કામ કરી રહ્યો હતો અને ગૂગલની એઆઈ ટેક્નોલોજીની ચોરી કરી રહ્યો હતો. આ ઉપરાંત એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે વધુમાં જણાવ્યું હતું કે ડીંગ પર ટ્રેડ સિક્રેટની ચોરીના ચાર ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને દરેક ગુના માટે ડીંગને 10 વર્ષની સજા થઈ શકે છે.
પૂર્વ એન્જિનિયર વિરુદ્ધ કેસની સુનાવણી સાન ફ્રાન્સિસ્કોમાં અમેરિકન બાર એસોસિએશનની કોન્ફરન્સ દરમિયાન થઈ હતી. એફબીઆઈ ડિરેક્ટરે એક નિવેદનમાં કહ્યું કે ગૂગલના પૂર્વ સોફ્ટવેર એન્જિનિયર લિનવેઈ ડીંગ પર અમેરિકન ટેક્નોલોજી ચોરી કરવાનો આરોપ છે. એટર્ની જનરલનું કહેવું છે કે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દેશની સુરક્ષાને જોખમમાં મૂકી શકે તેવી એઆઈ અને અન્ય એડવાન્સ ટેકનોલોજીની ચોરીને સહન કરશે નહીં. અમે કોઈપણ કિંમતે અમેરિકાની ટેક્નોલોજીનું રક્ષણ કરીશું.
લિનવેઈ ડીંગ વર્ષ 2019માં ગૂગલમાં જોડાયો હતો. ડીંગ પાસે કંપનીના સુપરકમ્પ્યુટિંગ ડેટા સેન્ટર્સની તમામ ગુપ્ત માહિતી હતી, જેને તે તેના અંગત ગૂગલ ક્લાઉડ એકાઉન્ટમાં અપલોડ કરી રહ્યો હતો. આ ડેટામાં 100થી વધુ મહત્વપૂર્ણ ફાઇલો હતી. ડીંગ બે ચાઈનીઝ કંપનીઓ સાથે કામ કરી રહ્યો હતો, જેમાંથી એક ચાઈનીઝ એઆઈ ફર્મમાં ચીફ ટેકનોલોજી ઓફિસર હતો. બીજી બાજુ, એક ચાઈનીઝ સ્ટાર્ટઅપ ફર્મ હતી, જેમાં ડીંગ ચીફ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો.