આઈટીએ રાજકોટની ઝૂંપડપટ્ટીમાંથી ટેક્સ ચોરીના પુરાવા મેળવ્યા

Spread the love

રાજકોટમાં લાડાણી રિયલ એસ્ટેટ કંપની દ્વારા ઈન્કમટેક્સની ચોરીનો બધો ડેટા એવી જગ્યાએ રખાયો હતો જેના વિશે કોઈને શંકા પણ ન જાય

રાજકોટ

ટેક્સ ચોરી કરવા માટે કંપનીઓ જાત જાતના નુસ્ખા અજમાવતી હોય છે અને તેને પકડવા માટે ઈન્કમટેક્સ વિભાગે નવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડે છે. આઈટી વિભાગે ટેક્નોલોજીની મદદથી 500 કરોડની ટેક્સ ચોરી પકડી પાડી છે અને તેનું પગેરું રાજકોટમાં ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં આવેલા એક ઘર સુધી પહોંચ્યું છે. રાજકોટમાં લાડાણી જૂથ નામે એક રિયલ એસ્ટેટ કંપની દ્વારા ઈન્કમટેક્સની ચોરી કરવામાં આવી છે અને તેનો બધો ડેટા એક એવી જગ્યાએ રાખવામાં આવ્યો હતો જેના વિશે કોઈને શંકા પણ ન જાય.

આઈટી વિભાગે પોલીસની મદદથી લગભગ 450 સીસીટીવી કેમેરા ચેક કર્યા અને પછી યુનિવર્સિટી રોડ પર પીજીવીસીએલની મેઈન ઓફસની પાછળ આવેલા ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં અધિકારીઓ પહોંચી ગયા હતા. અહીં તેમણે એક રૂમમાં તપાસ કરી ત્યારે ઈન્કમટેક્સ ચોરીના તમામ પૂરાવા મળ્યા હતા.
કંપનીના બ્લેકમનીને સાચવવાનું તથા તેને હેન્ડલ કરવાનું કામ કંપનીના એકાઉન્ટન્ટ અંકિત શિરા અને રાજ સિસોદિયા દ્વારા કરવામાં આવતું હતું. કોઈને આ વાતના પૂરાવા ન મળે તે માટે એકદમ ભંગાર હાલતમાં હોય તેવી જગ્યા પસંદ કરવામાં આવી હતી.
લાડાણી ગ્રૂપે જંગી ટેક્સ ચોરી કરી છે તેવી ચોક્કસ બાતમી મળ્યા પછી ઈન્કમટેક્સ વિભાગે 27 ફેબ્રુઆરીએ લાડાણી જૂથ અને તેના નિકટના લોકોના 30 પરિસરો પર સર્ચ ઓપરેશન કર્યું હતું. જોકે, તેમને બ્લેકમની વિશે કોઈ ચોક્કસ પૂરાવા અથવા ડેટા મળ્યો ન હતો. ટ્રાન્ઝેક્શનનો બધો ડેટા લેપટોપમાં અને ફાઈલોમાં સ્ટોર કરવામાં આવ્યો હતો.
ત્યાર પછી સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા જાણવા મળ્યું કે લાડાણીના કેટલાક વિશ્વાસુ લોકો પીજીવીસીએલની ઓફિસ પાછળ આવેલા એક ઝૂંપડી જેવા રૂમમાં જતા હતા અને પાંચ-દશ મિનિટમાં બહાર નીકળતા હતા. આ રૂમની તપાસ કરવામાં આવી તો ત્યાંથી લેપટોપ અને ફિજિકલ ફાઈલો મળી હતી અને તેમાંથી 500 કરોડની ટેક્સ ચોરીની ડિટેલ મળી આવી હતી. રિયલ્ટી કંપનીએ સાવ સાધારણ કહી શકાય તેવો રૂમ 4000 રૂપિયાના ભાડે રાખ્યો હતો. આ રૂમ ક્યાં આવેલો છે અને તેમાં કયો ડેટા રખાયો છે તેની માહિતી ફક્ત અંકિત શિરા અને રાજ સિસોદિયા પાસે જ હતી. તેઓ દર ચાર મહિને પોતાનું લોકેશન બદલતા રહેતા હતા.
આ કેસમાં કેટલીક રસપ્રદ ઘટનાઓ પણ બની હતી. જેમ કે ગ્રૂપના પ્રમોટર દિલીપ લાડાણીને આઈટી રેડની બાતમી મળી ગઈ હતી તેથી તેમણે શિરાને બધી કેશ પોતાને ત્યાંથી ખસેડીને બીજી જગ્યાએ છુપાવવા કહ્યું હતું. આ ઉપરાંત તેમણે પોતાનો ફોન 10મા માળેથી નીચે ફેંકી દીધો હતો. જોકે, આ ફોન રિકવર કરવામાં આવ્યો છે અને તેમાંથી ડેટા મેળવવા માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે.
એક સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે શિરા અને તેની પત્ની એક સુટકેશ લઈને જતા હતા. આ સુટકેશનું પગેરું શોધવામાં આવ્યું તો તેમાંથી 1.25 કરોડ રૂપિયા નીકળ્યા હતા. ટેક્સ ચોરી કરનારાઓ એ પણ જાણતા હતા કે ઈન્કમટેક્સ વિભાગ તેમના પર વોચ રાખે છે. તેથી તેમણે પોતાની સાથે સંકળાયેલા ન હોય તેવા લોકોને ત્યાં પણ રોકડ અને ડેટા છુપાવ્યા હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *