વિદ્યાર્થીના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી, વિદ્યાર્થી દ્વારા આપઘાતનો આ ચાલુ વર્ષે છઠ્ઠો મામલો છે
કોટા
મહાશિવરાત્રિના અવસરે કોટાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા. અહીં જેઈઈની તૈયારી કરતાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. તેના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. વિદ્યાર્થી દ્વારા આપઘાતનો આ ચાલુ વર્ષે છઠ્ઠો મામલો છે. જોકે ગત વર્ષે 29 બાળકોએ આપઘાત કર્યા હતા.
પોલીસ તંત્ર ઘણી મહેનત કરી રહ્યું હોવા છતાં આપઘાતના કેસ ઘટી રહ્યા નથી. પરીક્ષા અને પરફોર્મન્સના પ્રેશરને કારણે વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા હોવાનું મનાય છે. આ વખતે આપઘાત કરનાર વિદ્યાર્થી બિહારના ભાગલપુરનો રહેવાશી હતો અને તેની ઓળખ અભિષેક કુમાર તરીકે થઇ હતી. તે એક ખાનગી કોચિંગ સેન્ટરમાં જેઈઈની તૈયારી કરી રહ્યો હતો. છેલ્લા એક વર્ષથી તે કોટના વિજ્ઞાનનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા પીજીમાં રહેતો હતો.
માહિતી અનુસાર પોલીસે કોચિંગ સેન્ટરમાં તપાસ કરી તો જાણ થઇ કે અભિષેક 29 જાન્યુઆરીએ પરીક્ષા આપવા પણ નહોતો ગયો. તેના પછી 19 ફેબ્રુઆરીએ તેની પરીક્ષા હતી. એ પણ તે આપવા નહોતો ગયો. પોલીસને તેના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ મળી છે. તેમાં લખ્યું હતું કે સોરી પપ્પા… હું જેઈઈ નહીં કરી શકું.